Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

અસાઇલમ બારામાં સારી સલાહ કેવી રીતે મેળવવી
How to get good asylum advice

જોસેફની કહાણીઃ

'મારે સલાહની તાત્કાલિક જરૂર હતી. મેં દૂકાનની બારીમાં તેનું કાર્ડ જોયું. તેની ઓફિસ સરસ હતી અને એ મળતાવડો લાગ્યો. મેં એને મારા સફરના દસ્તાવેજ આપ્યા અને જે કાંઇ રોકડ હું મારી સાથે લાવી શક્યો હતો તેમાંના મોટા ભાગના નાણાં આપ્યા. એણે મને ધરપત આપી અને મારી તમામ ગૂંચવણો ઉકેલી શકશે એવી છાપ ઊભી કરી. મને હવે ભાન થયું કે મેં વધુ પડતો વિશ્વાસ મૂક્યો હતો પરંતુ તે સમયે મને ખ્યાલ જ નહોતો કે સલાહ માટે બીજે ક્યાં જવું. તેની સાથે વાત કરવાનું ઉત્તરોત્તર મુશ્કેલ બનતું ગયું; તે હંમેશા વ્યસ્ત રહેતો અને મારા ફોન કૉલનો જવાબ ન વાળતો. શું થઇ રહ્યું છે એ કાંઇ મને સમજાતું નહોતું. અંતે મને ખબર પડી કે એણે મારી અરજી તો દાખલ કરી દીધી હતી પણ તે પછી કાંઇ કર્યું નહોતું. એક દિવસ હું તેની ઓફિસ પર ગયો અને જોયું તો ખાલી ખમ. ત્યાર બાદ ન તો એ મને કદી દેખાયો કે ન તો મારા પૈસા. અંતે મને અટકાયતમાં લેવામાં આવ્યો. નસીબજોગે મને એક સારો સલાહકાર મળી ગયો જેણે મારો આખો મામલો સંભાળી લીધો.’

એડવાઇસનાઉ શું છે?

એડવાઇસનાઉ અઘિકારો અને કાનૂની મુદ્દાઓ પર ચોકસાઇ-ભરી , અપ-ટુ-ડેટ માહિતી પ્રદાન કરતી એક સ્વતંત્ર, બિન-નફાકારી વેબસાઇટ છે. અમારા કામમાં આર્થિક ફાળો આપનારે યા યુકે સરકારે પણ આ પત્રિકામાંની માહિતી ઉપર વર્ચસ્વ દાખવ્યું નથી. આપના હિતને પ્રોત્સાહન આપવું એ જ આ પત્રિકા લખવા પાછળનો અમારો હેતુ છે.

અસાઇલમની અરજી અંગે શા માટે સલાહ લેવી જોઇએ?

કારણ કે જો આપ નહીં કરો તો આપને નીચે બતાવેલ જોખમ હશેઃ

  • જાણ્યે-અજાણ્યે નિયમોનું ઉલ્લંઘન થાય
  • આપના કેસને મજબૂત બનાવે એવા નિયમોનો ઉપયોગ સારી રીતે ન થાય

ઘણીવાર હોમ ઑફિસ ભૂલો કરે છે અને વગર સલાહે આપને તે ભૂલોનો ખ્યાલ પણ નહીં આવે યા તેઓને કેવી રીતે પડકારવા તેની જાણકારી નહી હોય.

હિતેચ્છુ મિત્રો આપને સલાહ આપી શકે છે, પરંતુ સિસ્ટમ વારંવાર બદલાતી રહે છે, તેથી આપે કાયમ યોગ્ય કાનૂની સલાહ મેળવી લેવી જોઇએ.

આપે સારી સલાહ શા માટે મેળવવી જોઇએ?

કારણ કે અપ્રામાણિક કે નબળો વકીલ કે સલાહકાર કદાચ:

  • આપને ઉચિત સલાહ ન આપે
  • તમને છેતરીને નાણાં યા દસ્તાવેજો પડાવી લે
  • આપના કેસને ટેકો આપે એવા પુરાવા એકત્ર ન કરે કે તેને હોમ ઑફિસમાં રજૂ કરવાનું જ ભૂલી જાય
  • આપના કેસને પીઠબળ આપી શકે એવા અગત્યના સાક્ષીના ઇન્ટરવ્યૂ લેવાનું ટાળે
  • અરજી પત્રકો બરાબર ના ભરે યા બિલકુલ ભરે જ નહી
  • સુનાવણી વખતે આપના વતી સચોટ રજૂઆત ના કરે યા સુનાવણીમાં હાજરી જ ન આપે

આપનો કેસ મજબૂત હોય તો પણ આ બધી બાબતો તમારા અસાઇલમના દાવાને નિષ્ફળ બનાવી શકે છે.

સલાહ મેળવવા અંગેની અફવાઓ અને અર્ધ સત્યો

  • 'મફતમાં મળ્યું છે તો તે સારૂ નહીં જ હોય' અથવા, 'જે દામ ચૂકવ્યા હશે તે પ્રમાણે જ માલ મળશે' એવું કહેનારા લોકોથી સાવધ રહો. મફતમાં સલાહ આપવા માટે ઘણાં અનુભવી વકીલો અને સલાહકારોને લીગલ સર્વિસીસ કમિશન (LSC) પાસેથી વેતન મળે છે. આમ છતાં, એક અપ્રામાણિક કે અકુશળ વકીલ કે સલાહકાર તમને ખોટી સલાહ આપી વધુ પડતા નાણાં લઇ લેશે.
  • સરકારી અધિકારીઓ, ઇમીગ્રેશન અધિકારીઓ સહિત, કદાચ તમને કહેશે કે આપને કાનૂની સલાહની આવશ્યકતા નથી. અમે માનીએ છીએ કે યુકેમાં અસાઇલમ માગનાર સૌએ કાનૂની સલાહ લેવી જોઇએ. આ માટેનું કારણ એ છે કે વકીલ/સલાહકાર કાયદા અંગે જાણે છે અને તમારો દાવો સફળ થાય એ માટે એ તત્પર હશે.

હોમ ઑફિસ

હોમ ઑફિસ એક સરકારી વિભાગ છે જે ઇમીગ્રેશન તેમ જ પોલિસખાતું, કોર્ટ અને જેલખાતાનો વહીવટ કરે છે.

  • યુકેમાં તમને કદાચ વકીલો/સલાહકારો ઉપર વિશ્વાસ નહીં બેસે અને અગાઉના અનુભવો ઉપરથી તમે કદાચ એમ માનશો કે સારા વકીલો/સલાહકાર હશે જ નહીં. યુકેમાં, અસાઇલમ બારામાં સલાહ આપનાર વકીલો/સલાહકારોની નિયુક્તિ હોમ ઑફિસ, NASS કે અન્ય સરકારી વિભાગો દ્વારા નથી થતી; તેઓ સ્વતંત્ર હોય છે. સારા વકીલો/સલાહકારો હોય છે જ અને આ પત્રિકા તમને એવો કોઇ શોધી કાઢવા સહાય કરશે.

NASS(એનએએસએસ)

શરણાર્થીઓનો દાવો હોમ ઑફિસમાં વિચારણા હેઠળ હોય તે દરમ્યાનધ નેશનલ અસાઇલમ સપોર્ટ સર્વિસ (NASS) તેમને આધાર, રહેઠાણ અને આર્થિકસહાય પ્રદાન કરે છે.

  • વકીલ/સલાહકાર તમારા જ જાતિ-સમૂહમાંથી હોય યા એના સંસ્કૃતિ કે ધર્મ તમારા સમાન જ હોય તો તે તમને વધુ સહાય કરશે એમ ધારી લેવું આસાન છે, પરંતુ હંમેશા એવું નથી હોતું. તમારા સમાન પૃષ્ઠભૂમિ ધરાવનાર પણ અપ્રામાણિક વકીલ/સલાહકાર તમને પોતાના અસીલ બનાવવા દબાણ કરવા આ હકીકતનો કદાચ ઉપયોગ કરે. કોઇ કદાચ એમ પણ સૂચવશે કે અન્ય જાતિ-સમૂહ કે ધર્મમાંથી આવનાર વકીલ/સલાહકાર તમને મદદરૂપ નહીં થાય અને તમે કેસ હારી જશો. સાવચેત રહો, આ તો ફક્ત તમને તેમના તરફ ખેંચી આપની પાસેથી પૈસા પડાવવાની યુક્તિ હશે.
  • વકીલ/સલાહકાર એમ કહે કે તમે તમારો કેસ નહીં જીતી શકો તો એનો અર્થ એ નથી કે તે ખરાબ સલાહકાર છે. ક્યારેક એવું પણ બને કે એ ખરેખર એમ માનતા હોય કે તમારો કેસ નબળો છે, તો તમને એ વાત કહ્યે જ છૂટકો.

સલાહ બારામાં કરવા જેવું અને ન કરવા જેવું:

કરવા જેવું:

કાનૂની સલાહ સત્વરે મેળવી લેવી

દગાબાજો/દગાખોરોથી સાવધ રહો
તમે અહીં પ્રથમવાર આવો ત્યારે એરપોર્ટ પર કે બંદર ઉપર માહિતી/પૂછપરછના ડેસ્કની પાસે રાહ જોઇ રહેલા સાચાખોટા વકીલ/સલાહકાર કદાચ તમને મળશે. તે તમારા મદદગાર થવાની વાતો કરશે પણ તેમનો ખરો હેતુઆપનેછેતરવાનોજ હોય છે.

અકબરની કહાણીઃ
અકબર રેફ્યુજી અરાઇવલ્સ પ્રોજેક્ટ (એક સ્વતંત્ર ચૅરિટી જે નવા આવેલા અસાઇલમ ઇચ્છુકો અને નિર્વાસિતોને સહાય કરે છે) તરફ જઇ રહ્યો હતો જ્યારે કોઇ પોતે વકીલ હોવાનો દાવો કરી તેને લઇ ગયું. તેના દસ્તાવેજ અને £200 માગ્યાં – આ એની સર્વસ્વ રોકડ મૂડી હતી. 45 મિનિટ સુધી મોટરમાં એરપોર્ટની આસપાસ ફેરવી એને પડતો મૂક્યો. છેવટે અકબર પહોંચ્યો ત્યારે મોડું થઇ ગયું હતું અને એની પાસે ફૂટી કોડી પણ નહોતી.

તમારા દસ્તાવેજ કોઇને સુપરત કરતા અગાઉ થોભો અને વિચારો

  • ક્યારેક વકીલો/સલાહકારોને ઇમીગ્રેશનને લગતા આપના અસલ દસ્તાવેજોની જરૂર હોય છે, ઉદાહરણ તરીકે, હોમ ઑફિસને મોકલવા. તમારે તેની ફોટોકોપી રાખવી જોઇએ તેમ જ જે કોઇ દસ્તાવેજ સુપરત કરો તેની સવિગત રસીદ લઇ લેવી. પરંતુ કોઇ પણ વકીલ કે સલાહકાર જેઓ આપના અસલ કાગળિયાં કોઇ ચોક્કસ કારણ વગર રાખી મૂકે તો તેનાથી સાવધાન રહેવું; કદાચ તમને પોતાના અસીલ બનાવી રાખવા અર્થે એ દસ્તાવેજો વાપરી શકે છે.

આપના કાગળિયાંનું ધ્યાન રાખો

તે મૂલ્યવાન હોય છે અને જો એ અયોગ્ય વ્યક્તિના હાથમાં આવી જાય તો કોઇ ગુનાખોર માણસ તેને વેચીને મબલખ નાણાં કમાઇ શકે છે.

કરવા જેવું:

હિતેચ્છુ મિત્રોની વાત કાયમ ન સાંભળવી

મિત્રો એમ સૂચવે કે આપની કહાણીમાં ખરીખોટી બાબતો પણ દાખલ કરો તો સાવધ રહેવું; સામાન્ય રીતે આ મુશ્કેલીને નોતરે છે અને તમે (તથા તમારા મિત્ર) કદાચ અપરાધી ગણાશો.

અહમદની કહાણીઃ

અહમદ ચેચન્યાથી આવેલ મુસલમાન હતો. તેને કહેવાયું કે તે મુસલમાન છે તે બાબત છુપાવવી વધુ ઠીક રહેશે, કેમ કે "પશ્ચિમમાં લોકો તેમને પસંદ કરતાં નથી". દુર્ભાગ્યે તેણે આ માની લીધું અને તેણે સત્તાધારીઓને કહ્યું કે તે રશિયન હતો. અસાઇલમ મેળવવાની એની તકને આ જુઠ્ઠાણાંએ રોળી નાખી.

નાણાં માગનાર સૌ કોઇ અપ્રામાણિક છે એવું ન ધારો

હંમેશા આવું નથી હોતું. સારા વકીલો/સલાહકારો છે જેઓ લીગલ એઇડ હેઠળ કામ નથી કરતાં. પોતે જે સેવાઓ આપે છે તેને માટે ચાર્જ લેવાનું એમને માટે સામાન્ય છે.

લીગલ એઇડ
ઓછી આવક અને ઓછી બચત વાળાને કાનૂની સલાહ અને સહાય માટે ફાળવેલ નાણાં એ લીગલ એઇડ છે. આપને NASSનો આધારહોય તોઅસાઇલમઅનેઇમીગ્રેશનબાબતમાં સલાહ અર્થે આપોઆપલીગલ એઇડને પાત્રબનોછો. જે વકીલો/સલાહકારોનેલીગલસર્વિસકમિશન(LSC) તરફથી લીગલ એઇડ હેઠળ કામ કરવાની માન્યતા અપાઇ હોય તેઓને LSCપૈસા ચૂકવેછે.

નાણાં કે ભેટોના પ્રસ્તાવના પ્રભાવમાં આવશો નહીં
રોકડ રકમ કે મોબાઇલફોનજેવાપ્રલોભનો આપી કોઇ તમને પોતાનો અસીલ બનાવવામાગે તો સંભવ છે કે એ અસમર્થ અને દગાબાજ હોય. એ ભેટ તે વખતે તો આકર્ષક લાગશે પણ જોતમે કેસ હારશો તો એ ભેટથીકાંઇવળવાનુંનથી.

પાછલા અનુભવો વર્ણવતી વખતે થતી ભૂલો

આપ જ્યારે સૌ પ્રથમ યુકેમાં આવો ત્યારે કદાચ થાકેલા, ગભરાએલા અને એકલવાયાં હશો. સંભવ છે કે આપની મુખ્ય ચિંતા પ્રવેશ મેળવવાની હોય. હોમ ઑફિસને આપના જીવન અંગે કાંઇપણ કહેવા અંગે ખૂબ જ ડર લાગતો હોય. અથવા આપને સર્વાધિક જે જોઇએ છે – રહેવા માટે સલામત સ્થાન –તે હાંસલ કરવા કાંઇ પણ કહી દેવાનું મન થાય. અન્યોએ જે ભૂલો કરી છે તે કૃપા કરીને ન કરશો. ભૂલ કરશો તો આપનો કેસ ગુમાવવાનું અને જ્યાંથી આપ આવ્યાં છો ત્યાં પાછા મોકલાવાનું જોખમ રહેશે.

કરવા જેવું:

  • આખું સત્ય કહો
    તમારૂં એક પણ જુઠ્ઠાણું હોમ ઑફિસ પકડી પાડે તો તમારી બીજી ઘણી વાતોમાં સત્ય હશે તો પણ એ સ્વીકારશે નહીં. તેઓ માનશે કે આપ અવિશ્વસનીય છો અને બીજા ઘણાં જુઠ્ઠાણા બોલશો.
  • પૂરતી વિગત આપો
    હોમ ઑફિસને પ્રથમવાર મળો ત્યારે પૂરતી માહિતી આપો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારૂં નિવેદન બદલો કે પાછળથી બીજી વિગતો ઉમેરો તો તેઓ માનશે કે તમારો કેસ વધુ મજબૂત બનાવવા માટે તમે જુઠ્ઠું બોલી રહયાં છો.

ફેલિપની કહાણી:

ફેલિપને જ્યારે પૂછાયું કે તેને કેટલીવાર 'અટકાયત' માં લેવામાં આવ્યો છે તો એણે ખભા ચઢાવ્યા અને કહ્યું 'એકવાર'. તે પોતાની છેલ્લી અટકાયત અંગે વિચારતો હતો જે બે મહિનાની હતી, અને જેને લીધે તેણે છોડી જવાનું નક્કી કર્યું હતું. પાછળથી, જ્યારે તેનો સલાહકાર પુરૂં નિવેદન લઇ રહ્યો હતો ત્યારે બહાર આવ્યું કે તેને એના જીવન દરમ્યાન પોલિસ કસ્ટડીમાં ઘણીવાર લઇ જવાયો હતો, ક્યારેક તો ફક્ત બે-એક ક્લાક માટે જ. ફેલિપ આનાથી એટલો તો રીઢો થઇ ગયો હતો કે તે એને 'અટકાયત' ન ગણતા જીવનનું એક અંગ જ ગણતો.

વધુ વિગત પાછળથી ઉમેરી એથી હોમ ઑફિસે તારણ કાઢ્યું કે ફેલિપ પોતાનો કેસ મજબૂત બનાવવા માટે અતિશયોક્તિ કરી રહ્યો હશે. પરિણામે, તેના કેસની સચ્ચાઇ માટે ઘણી શંકા ઊભી થઇ.

  • જે કાંઇ થયું હોયતે બતાવો, ભલે તે ક્ષોભ પમાડે એવું હોય, અંગત કે પીડાજનક હોય
    જેને આપ ક્યારેય ન મળ્યાં હો અને તે વિશ્વાસપાત્ર હોવાની તમને જાણ ન હોય એવી વ્યક્તિને અમુક વાત ઉદાહરણ તરીકે, તમારા ઉપર બળાત્કાર થયો હોય કે ત્રાસ ગુજારવામાં આવ્યો હોય કરવી બહુ જ અઘરી છે. પરંતુ તે વાત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે નહીં તો કેસ હારી જવાનો વારો પણ આવે. તમે સ્ત્રી હો અને સ્ત્રી સાથે જ વાત કરવા ઇચ્છતા હો, યા પુરૂષ હો અને પુરૂષ સાથે જ વાત કરવા ઇચ્છતા હો, તો આપના વકીલ/સલાહકારને સમજાવો.

ખ્યાલ રાખો કે યુકેમાં કેટલાક શબ્દોના અર્થ જૂદા થતા હોય

યુકેની બહારથી આવનારાઓ ક્યારેક લોહીનો સંબંધ ન હોય તેવાને પણ પોતાના 'ભાઇ', 'બહેન' કે 'બાળક' તરીકે સંબોધે છે; એમને ખ્યાલ પણ નથી હોતો કે યુકેમાં આ શબ્દોનો અમુક ચોક્કસ અર્થ હોય છે. કોઇ વ્યક્તિ સાથે તમારે લોહીનો સંબંધ ના હોય છતાં તમે હોમ ઑફિસને કહો કે તે તમારો 'ભાઇ' છે, તો હોમ ઑફિસ તમને ખોટાબોલા ગણશે અને તમારી બીજી વાતોને પણ શંકાની નજરે જોશે.

ભૂલોને પડકારો

હોમ ઑફિસ તમારી અંગત વિગતો નોંધવામાં ભૂલ કરે કે નામ કે સ્થાનના નામની જોડણી ખોટી કરે તો વહેલી તકે એનું ધ્યાન દોરો. જો આમ નહીં કરો તો મુશ્કેલી ઊભી થઇ શકે છે, ઉદાહરણ તરીકે તમારા દાવા અંગે તમે જે પુરાવા આપો તેની સાથે એ સુસંગત ન હાય તો. તમારી જાતે ઇમીગ્રેશન અધિકારીને કહેવાનું તમને ન ફાવે તો તમારા વકીલ કે સલાહકારને તે માટે કહો.

કરવા જેવું:

  • જાણીબૂઝીને કોઇ બાબત છુપાવશો નહીં
    કેમ કે એ પણ અસત્ય જ કહેવાય અને જો આપ પકડાઇ જશો તો આપને અસાઇલમ મેળવવામાં મુશ્કેલી પડશે.
  • અસંબંધિત લાગતી હોય તેવી બાબતો કહેવાનું ચૂકશો નહીં
  • દરેક વિગત, તમને નાની-શી કે અગત્યની લાગતી હોય તે પણ, લક્ષમાં લેવા યોગ્ય હોઇ શકે છે. કઇ બાબત ધ્યાનમાં લેવા યોગ્ય ગણવી અને કઇ નહીં એ હોમ ઑફિસ અને આપના વકીલ/સલાહકાર નક્કી કરે તે વધું સારૂં રહેશે. કોઇ બાબત તમે ચૂકી જાવ તો તમને બરાબર મદદ કરવામાં વકીલ/સલાહકારને કદાચ મુશ્કેલી પડશે. પરંતુ, સાથે સાથે, કોઇના દબાણને વશ થઇ કોઇ વાત ઉપજાવી ન કાઢશો – નામ, તારીખ કે સ્થળ જેવી વિગત યાદ જ ન આવે તો રહેવા દો.

હોમ ઑફિસ અમુક વાત સાંભળવા ઇચ્છે છે એમ ધારીને ફક્ત એ જ વાત કહેવી એવું ના કરશો
સત્ય વાત કહેવાને બદલે તમે અનુમાન કરવાની કોશિશ કરશો કે ઇમીગ્રેશન અધિકારીઓને શું સાંભળવું છે તો તમારે માટે ગંભીર સમસ્યાઓ ઊભી કરશો. અધિકારીઓ માનશે કે તમે કાંઇક છુપાવવા માગો છો.

વિભિન્ન પ્રકારના સલાહકારો

  • ઇમીગ્રેશન અને અસાઇલમને લગતા માન્યતા-પ્રાપ્ત પ્રેક્ટિશનરો અને તેમની સંપર્ક વિગતોનું રજીસ્ટર લૉ સોસાયટી રાખે છે. ઇન્ટરનેટ ઉપર
  • www.lawsociety.org.uk/professional/accreditationpanels/lawpanel.law#top
  • પરથી એ મળી શકશે.

જાહેર (સરકારી) ભંડોળ પર આધારિત

કેટલાંક વકીલો/સલાહકારોને તેમની સેવાઓ બદલ લીગલ સર્વીસીસ કમિશન (LSC) દ્વારા ચૂકવણી કરાય છે. આ 'લીગલ એઇડ' કાર્ય તરીકે ઓળખાય છે અને ઓછી બચત તથા ઓછી આવક વાળા અસીલોને એના થકી તેઓ નિ:શુલ્ક સલાહ આપી શકે છે.

લીગલ એઇડ હેઠળ વકીલો/સલાહકારો આપના કેસ ઉપર મર્યાદિત પ્રમાણમાં જ સમય આપી શકે છે, દા.ત. શરૂઆતમાં પાંચ ક્લાક, અને ત્યાર બાદ વધારે સમય માટે આવેદન કરવાનું હોય છે. આપના કિસ્સામાં આવું થાય તો, તેનો અર્થ એમ નથી કે એ વકીલ/સલાહકાર સારા નથી. તંત્ર જ એવું છે જેમાં રહીને તેઓએ કામ કરવાનું હોય છે.

  • કાનૂનીખર્ચપેટેસહાય
    'મારી પાસે નાણાં નથી તેથી મને વકીલ/સલાહકારનો ખર્ચ પોસાય નહીં'. આપને કદાચ નાણાંની જરૂર ન પણ પડે; આપને NASS નો આધાર હોય તો લીગલ એઇડ હેઠળ કામ કરનાર વકીલ/સલાહકાર પાસેથી અસાઇલમ અંગેની કાનૂની સલાહ નિ:શુલ્ક મેળવી શકશો.
  • તમને લીગલ એઇડ મળી શકે કેમ તે જાણવું હોય અને તમને ઇન્ટરનેટ ઉપલબ્ધ હોય તો
  • www.clsdirect.org.uk/legalhelp/calculator.jsp?lang=en ઉપર તપાસી શકો છો.

ખાનગીભંડોળપરઆધારિત
અન્ય વકીલો/સલાહકારો તેઓની સેવાઓ માટે ચાર્જ કરશે. જો તમને લીગલ એઇડ મળે એમ હોય તો જાહેર ભંડોળ પર આધારિત વકીલ/સલાહકાર પાસે જવું જોઇએ; પ્રાઇવેટ ખર્ચ કરવાની પ્રબળ ઇચ્છા ન હોય તો એ ખર્ચ ટાળવો જ રહ્યો.

મુખ્ય સૂચનો 1: પ્રક્રિયાને સરળ કરવા મદદરૂપ થવા

  • આપના વકીલ/સલાહકારને સંપૂર્ણ કહાણી કહેવી.
  • આપના પાછલા અનુભવો અંગે શક્ય તેટલી વિગતો આપના વકીલ/સલાહકારને આપો.
  • આપના વકીલ/સલાહકાર સાથે સંપર્કમાં રહો – જેથી આપના કેસમાં કાંઇ ખોટું ન થાય, જેમ કે તારીખો ચૂકી જવી યા અગત્યના ઇન્ટરવ્યૂ ચૂકી જવા.
  • આપનું સરનામુ કે ટેલીફોન નંબર બદલાય તો હોમ ઑફિસ અને આપના વકીલ/સલાહકારને જણાવો.
  • આપના ઇમીગ્રેશનનાં અસલ કાગળિયાં ક્યાંક સલામત સ્થાને રાખો.
  • ખાતરી કરો કે તમે સુનાવણીઓ, એપોઇન્ટમેન્ટ અને ઇન્ટરવ્યૂમાં હાજરી આપો અને તે પણ સમયસર.

મુખ્ય સૂચનો 2: આપના વકીલ/સલાહકાર તમારે માટે સારૂં કામ કરી રહ્યા છે કે કેમ તેકેવી રીતે જાણવું.

  • તેઓએ આપની પાસેથી વિગતવાર નિવેદન લીધું છે?
  • તેઓએ તારીખો, ચોક્કસ સ્થાનો, સ્થળોના નામ, પ્રસંગોની ક્રમાવલી, અને જે ઘટનાને લીધે તમે અસાઇલમ માગી રહ્યા છો તે ઘટનાની સાથે સંકળાએલ અન્ય વ્યક્તિઓના નામ તથા તેમની સાથેના તમારા સંબંધો એ બધાની ચકાસણી કરી છે?
  • તમારો કેસ કેટલોક સફળ થશે એ વિશે તેમણે સલાહ આપી છે?
  • આખી પ્રક્રિયા અને તેઓ હવે પછી શું કરશે એ તેમણે સ્પષ્ટ રીતે સમજાવ્યું છે?
  • તમારા કેસ અંગે હોમ ઑફિસને કે અન્ય કોઇને લખેલ ટપાલ તેમ જ બીજાં મહત્વનાં કાગળિયાંની કોપી તેમણે તમને આપી છે?
  • શું તેઓએ આપને સ્પષ્ટ પણે જણાવ્યું છે કે તેઓની પાસે આપ કેવી અપેક્ષા રાખી શકો છો, અને તમારી પાસે તેઓ શું અપેક્ષા રાખે છે?
  • શું તેઓએ આપને માહિતી આપી છે કે તેઓની સેવા અંગેની ફરિયાદ આપ કેવી રીતે કરી શકો?

જો આ બધાં જ પ્રશ્નોનો જવાબ 'હા' હોય તો આપના વકીલ/સલાહકાર આપને માટે સારૂં કામ કરી રહ્યા છે એવો વિશ્વાસ અસ્થાને નહીં ગણાય.

દુભાષિયાઓ

  • દુભાષિયાઓએ આપને કાનૂની સલાહ ન આપવી જોઇએ – આ કાનૂનની વિરૂદ્ધ છે.
  • તમારી જ ભાષા બોલનાર સાથે વાત કરવાથી મનને ધરપત રહેતી હશે; આમ છતાં, યાદ રહે કે દુભાષિયા કાયદાના નિષ્ણાત નથી હોતા અને નવા અસીલો શોધવા માટે, તેમના ઇન્ટરવ્યૂ લેવા માટે અને તેમને સલાહ પ્રદાન કરવા માટે અપ્રામાણિક વકીલો/સલાહકારો ક્યારેક આવા દુભાષિયાઓને ઉપયોગમાં લે છે.
  • તમને શંકા હોય કે તમે જે કાંઇ કહી રહ્યા છો તે દુભાષિયો બરાબર નથી સમજાવતો તો તરત જ વકીલ/સલાહકાર કે હોમ ઑફિસ અધિકારીને જણાવો, પછી ભલે આમ કરવાથી ઇન્ટરવ્યૂને થંભાવવો પડે. તમે એમની ભાષામાં વાત ન કરી શકતા હો તો પણ પ્રયત્ન કરો અને તે સ્પષ્ટતા કરો કે દુભાષિયો જે કહી રહ્યો છે તેનાથી તમે નાખુશ છો.

આપ ખુશ ન હો તો વકીલ/સલાહકાર બદલવાનું

સારી સલાહ મેળવવાનો તમારો અધિકાર છે, તેમ જ તમારા વકીલ/સલાહકારની કામગીરીથી તમે નાખુશ હો તો ફરિયાદ કરવાનો તમને અધિકાર છે. આમ છતાં યાદ રાખવું કે વકીલ/સલાહકારની વાત અપ્રિય લાગે તો તેનો મતલબ એમ નથી કે એમનું કામ બરાબર નથી.

વકીલ/સલાહકારને બદલવામાં ઉતાવળિયું પગલું ના ભરશો, પણ જો સલાહ બરાબર ના મળતી હોય તો આમ કરવુંય પડે. આપ લીગલ એઇડ મેળવી રહ્યા હો તો વકીલ/સલાહકાર બદલવા માટે સારૂં અને સબળ કારણ જોઇશે. બદલી કરવાની જ હોય તો, કેસમાં જેમ બને તેટલી વહેલી કરવી. વળી, એકી સમયે બે વકીલ/સલાહકાર ન રોકી શકો.

જૂના વકીલ/સલાહકારને છોડો તે પહેલાં ખાતરી કરી લો કે નવા આપનો કેસ હાથમાં લેશે. નવો વકીલ/સલાહકાર શોધવામાં ખૂબ જ મુશ્કેલી પણ પડશે કારણ કે બીજા વકીલ/સલાહકારનો કેસ હાથમાં લેવા તૈયાર હોય એવા વકીલ/સલાહકાર બહુ ઓછા છે. માટે જ, સારો વકીલ/સલાહકાર શરૂઆતમાં જ રોકી લેવો એ ઘણું અગત્યનું છે.

નજીકમાં કોઇ વકીલ/સલાહકાર ના મળી શકે તો કદાચ દૂર જવું પડે. તમને લીગલ એઇડ મળતી હોય તો, આવવા-જવાના ખર્ચ પેટે કદાચ મદદ મળશે. નવા વકીલ/સલાહકારને મળવા જતા પહેલાં એની સાથે આ બાબત ચર્ચા કરી લેવી.

ફરિયાદ કેવી રીતે કરવી

કોના વિશે ફરિયાદ કરી શકાય

વકીલે/સલાહકારે તમારી સાથે ખરાબ વર્તાવ કર્યો હોય કે તમને અધૂરી સલાહ આપી છે એમ લાગતું હોય તો આપ તેઓની ફરિયાદ કાર્યવાહીનો ઉપયોગ કરી ફરિયાદ કરી શકો છો અથવા તો ઑફિસ ઓફ ધ ઇમીગ્રેશન સર્વિસ કમિશનર (OISC) ને ફરિયાદ કરી શકો છો. આમ કરવામાં કોઇ જાતનો ખતરો નથી; તમારી અંગત વિગતો – ઉદાહરણ તરીકે, યુકેમાં ગેરકાનૂની હો એવી બાબત પણ – OISC હોમ ઑફિસને નહીં જણાવે.

કોઇ પણ સલાહકાર અથવા વકીલ અંગે તમે ફરિયાદ કરી શકો છો – તેમને OISC દ્વારા ન શોધેલ હોય તો પણ. OISC તકેદારી રાખે છે કે બધા જ સલાહકારો સારી સલાહ આપે, અને બધી ફરિયાદોને OISC ગંભીરતાપૂર્વક લે છે.

શેના બારામાં ફરિયાદ કરી શકાય

વકીલ/સલાહકારે ઇમીગ્રેશન બારામાં સલાહ આપી હોય તે અંગે કાંઇ સમસ્યા હોય તો ફરિયાદ કરી શકાય છે; નીચે આપેલ કોઇ પણ બાબત સહિત:

  • અસંગત સલાહ આપે
  • અસંગત સેવા આપે, ઉદાહરણ તરીકે, તેઓ શું કરી રહ્યા છે તે ન સમજાવે
  • આપના પાછલા અનુભવો અંગે પૂરતી તપાસ ન કરે
  • પોતાની સફળતા વિશે ખોટી બડાઇ મારે
  • ગેર-વ્યાજબી ચાર્જ લગાવે અને/અથવા ન કરેલા કામનો ચાર્જ લગાવે
  • ખોટા કે ભ્રામક વિધાનો કરવાનું તમને કહે
  • તારીખો ચૂકી જાય
  • કોર્ટમાં હાજર ન થાય

ફરિયાદ કરવા માટે દુભાષિયાની જરૂર હોય તો OISC એની વ્યવસ્થા કરી શકે છે.

આપની ફરિયાદ અંગે OISC શું કરશે

OISC આપની ફરિયાદને જોઇ નિર્ણય લેશે કે શું પગલાં લેવા. આપના સલાહકાર કાયદા વિરૂદ્ધ કામ કરી રહ્યા હોય કે અસંગત સલાહ આપી હોય તો તેઓને કદાચ કામ કરતા અટકાવાય.

OISC આપની અરજીના કામકાજને ઝડપી ના કરાવી શકે, તેમ જ તે હોમ ઑફિસ અંગેની ફરિયાદો હાથમાં નહીં લે.

ફરિયાદ કરવા માટે એક ખાસ ફોર્મ ભરવાનું હોય છે. 25 ભાષાઓમાં ઉપલબ્ધ એવા આ ફોર્મ માટે OISC ની વેબસાઇટ www.oisc.org.uk/complaints/00-start-complaints.asp જુઓ યા 0845 000 0046 ઉપર ફોન કરો.

સારી સલાહ કેવી રીતે શોધવી

નીચે બતાવેલ સંસ્થાઓ ઉપર ભરોસો કરી શકાય; એ આપને વકીલ/સલાહકારનો નિર્દેશ કરી શકે છે:

ધ ઑફિસ ઓફ ધ ઇમીગ્રેશન સર્વિસીસ કમિશનર (OISC)

www.oisc.org.uk/adviser-finder/00-adviser-finder.asp પર ઓનલાઇન સલાહ શોધનાર

ટેલીફોન: 0845 000 0046

કોમ્યુનીટી લીગલ સર્વિસ ડાયરેક્ટ અસાઇલમના દાવામાં નિષ્ણાત અને લીગલ એઇડ હેઠળ નિ:શુલ્ક સલાહ આપવા માન્યતા પ્રાપ્તિ હોય એવા વકીલ/સલાહકાર તરફ નિર્દેશ કરી શકે છે. www.clsdirect.org.uk/directory/directorySearch?lang=en ટેલીફોન: 0845 345 4 345

ધ લૉ સોસાયટી માન્યતા પ્રાપ્ત ઇમીગ્રેશન અને અસાઇલમ પ્રેક્ટિશનરો અને તેમના સંપર્કની વિગતોનું નોંધણીપત્રક રાખે છે. આપ આને ઇન્ટરનેટ ઉપર www.lawsociety.org.uk/professional/accreditationpanels/lawpanel.law#top પર શોધી શકો છો.

ધી ઇમીગ્રેશન લૉ પ્રેક્ટિશનર્સ એસોસીએશન (ILPA) પાસે તેમની વેબસાઇટ www.ilpa.org.uk/ ઉપર એમના સભ્યોની ડિરેક્ટરી છે. ટેલીફોન: 020 7251 8383

આમાંના કોઇ ચિહ્નો પોતાની બારીએ કે નોટપેપર પર રાખ્યા હોય તેવા વકીલ કે સલાહકાર શોધવા એ સારૂં પડશે:

આ સંસ્થાઓ વિશે તપાસ કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો હોય તો સ્થાનિક લાયબ્રેરીમાં એ સગવડ નિ:શુલ્ક મળી રહેશે. યા તો પછી 'ઈંરનેટ કાફે' માં જવું જે ઘણાં ખરા મુખ્ય માર્ગો ઉપર મળી રહેશે. પણ ત્યાં પૈસા ચૂકવવા પડશે.

નીચે બતાવેલ સંસ્થાઓ ચૅરિટી અને સ્વનિર્ભર સંસ્થાઓ છે જે શરણાર્થીઓ સાથે કામ કરે છે. તેમાંની ઘણી સંસ્થાઓ આપને વકીલ કે સલાહકારનો નિર્દેશ કરી શકશે.

  • અસાઇલમ એઇડ
    શરણાર્થીઓને નિ:શુલ્ક કાનૂની સલાહ આપતી તેમ જ તેમને માટે પ્રતિનિધિત્વ કરતી એક ચૅરિટી સંસ્થા.
  • www.asylumaid.org.uk
    સલાહ માટેની લાઇન: 020 7247 8741
    ટેલીફોન: 020 7377 5123
  • માઇગ્રન્ટ હેલ્પલાઇન
    યુકેમાં પ્રવેશતાં અને એમાં વસતા શરણાર્થીઓનેસલાહ અને આધાર પ્રદાન કરનાર એક ચૅરિટી.
  • www.migranthelpline.org.uk
    ટેલીફોન: 020 8774 0002
  • ધ મેડીકલ ફાઉન્ડેશન ફોર ધ કેર ઓફ વિક્ટીમ્સ ઓફ ટોર્ચર
    ત્રાસ તેમ જ અન્ય વ્યવસ્થિત હિંસાખોરીથી બચી નીકળેલાઓને સંભાળ અને પુનઃવસવાટ પ્રદાન કરતી એક ચૅરિટી.
    www.torturecare.org.uk/
  • ટેલીફોન: 020 7697 7777

રેફ્યુજી કાઉન્સિલ

શરણાર્થીઓ અને નિર્વાસિતોને સહાય અને આધાર આપતી એક ચૅરિટી.

www.refugeecouncil.org.uk/

ટેલીફોન: લંડન 020 7346 6777. કાર્ડિફ 029 2048 9800

  • રેફ્યુજી એકશન
    શરણાર્થીઓને સલાહ અને માહિતી પ્રદાન કરતી એક ચૅરિટી.
  • www.refugee-action.org.uk/
  • ટેલીફોન: 020 7654 7700
  • રેફ્યુજી અરાઇવલ્સ પ્રોજેક્ટ
    યુકેમાં નવા પહોંચેલા શરણાર્થીઓને આધાર માટેની તેમની પાત્રતા અંગે સલાહ પ્રસ્તુત કરતી એક ચૅરિટી.
  • www.refugee-arrivals.org.uk/
    ટેલીફોનઃ 020 8759 5740

યુકે લેસ્બિયન એન્ડ ગે ઇમીગ્રેશન ગ્રુપ

એક ચૅરિટી જે લેસ્બિયન અને ગે (સમલિંગી) શરણાર્થીઓને સલાહ અને આધાર પ્રદાન કરનાર એક ચૅરિટી.

http://www.uklgig.org.uk/Solicitors.htm

ટેલીફોનઃ 020 7620 6010

  • શબ્દોની સમજણ (જાર્ગન બસ્ટર)
  • હોમ ઑફિસ (ગૃહ મંત્રાલય)

ઇમીગ્રેશન તેમ જ પોલિસ, ન્યાયાલયો અને જેલોનો વહીવટ કરવાની જવાબદારી ધરાવતું યુકે સરકારનું એક ખાતું.

  • લૉ સાસાયટી
    લૉ સોસાયટી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વકીલોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ સારી તથા સદભાવી સેવા આપી રહ્યા છે તેની ખાતરી કરવા માપદંડોનું આયોજન કરે છે.
  • લીગલ સર્વિસીસ કમિશન
    લીગલ સર્વિસ કમિશન ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લીગલ એઇડની દેખરેખ રાખે છે અને લોકોને પોતાની સમસ્યાઓ ઉકેલવા માટે જોઇતી માહિતી, સલાહ અને કાનૂની સહાય મળી રહે તે જોવાની એની જવાબદારી છે.
  • લીગલ એઇડ
    આ જાહેર ભંડોળ ઓછી બચત અને ઓછી આવક વાળા લોકોને કાનૂની સલાહ અને સહાય પૂરી પાડવા માટે હોય છે. લીગલ એઇડ પ્રદાન કરવા માન્યતા આપેલ હોય તેવા વકીલો/સલાહકારોને લીગલ સર્વિસીસ કમિશન (LSC) નાણાં ચૂકવે છે.
  • NASS
    શરણાર્થીઓની અરજી હોમ ઑફિસમાં વિચારણા હેઠળ હોય તે દરમ્યાન નેશનલ અસાઇલમ સપોર્ટ સર્વિસ(NASS) તેમને આધાર, આવાસ અને આર્થિક સહાય પ્રદાન કરે છે.
  • ઑફિસ ઓફ ધી ઇમીગ્રેશન સર્વિસીસ કમિશનર
    ઇમીગ્રેશન તથા અસાઇલમ બાબતના સલાહકારો સક્ષમ છે અને અસીલોના હિતમાં કામ કરે છે તેની ખાતરી કરવા માટે ઑફિસ ઓફ ધી ઇમીગ્રેશન સર્વિસીસ કમિશનર (OISC) નામની સ્વતંત્ર જાહેર સંસ્થા છે. તે હોમ ઑફિસનો ભાગ નથી.
  • સ્ટેટમેન્ટ/નિવેદન
    તમને યુકે આવવા માટે કારણભૂત હકીકતો અને ઘટનાઓનો વિધિસરનો અહેવાલ.

This document was provided by Advicenow, June 2006, www.advicenow.org.uk.