Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

યુકેમાં શરણાર્થીઓ માટે સહાય
Support for asylum seekers in the UK

સમનની કહાણી

‘હું હીથ્રો ઉપર ઘણો મોડો પહોંચ્યો અને મેં ઇમીગ્રેશન અધિકારીને કહ્યું કે હું રાજ્યાશ્રય માગું છું. એણે મારૂં નામ પૂછ્યું, અને હું ક્યાંથી તથા કેવી રીતે યુકે આવ્યો તે પણ પૂછ્યું. ત્યાર બાદ, એરપોર્ટ નજીકની એક હોટલમાં એણે મને મોકલ્યો અને એ હોટલના કર્મચારીઓએ મને થોડું ખાવાનું આપ્યું તથા શયન માટે મને ત્યાંના એક રૂમમાં લઇ ગયા. બીજે દિવસે સવારે એ લોકોએ મને એક ફોર્મ ભરવામાં મદદ કરી અને કહ્યું કે તે આવાસ માટે અને ખાવાનાના પૈસા માટે છે. એ ફોર્મમાં ઘણા પ્રશ્નો હતા.

આ વાતને લગભગ અઠવાડિયું વીતી ગયું છે અને હજી પણ હું જવાબની પ્રતીક્ષા કરૂં છું. મને બિલકુલ ખબર નથી કે હવે પછી મને ક્યાં મોકલવામાં આવશે યા મને કોઇ પૈસા મળશે કે કેમ. જો તેઓ નન્નો ભણશે તો મને ખબર નથી કે હું શું કરીશ...’

તમે યુકેમાં શરણાર્થી હો તો તમારી અરજી ઉપર વિચારણા થતી હોય તે દરમ્યાન તમે અસાઇલમ સપોર્ટ – શરણાર્થીઓને માટેની ખાસ સહાય (ક્યાંક રહેવાની જગા તથા અન્ન અને વસ્ત્રો માટે પૈસા) – માગી શકો છો. આ અગત્યનું છે કેમ કે તમે રાજ્યાશ્રય માગ્યો હોય તો તમે કામધંધો ના કરી શકો. અસાઇલમ સપોર્ટ માટેનો હોમ ઑફિસનો વિભાગ છે બોર્ડર્સ એન્ડ ઇમીગ્રેશન એજન્સી (બીઆઇએ) – સરહદો અને વસાહતનું કાર્યાલય.

એપ્રિલ ૨૦૦૭ પહેલા અસાઇલમ સપોર્ટ માટેની જવાબદારી નૅશનલ અસાઇલમ સપોર્ટ સર્વિસ (એનએએસએસ) ઉપર હતી.

અસાઇલમ સપોર્ટ કેવી રીતે મેળવાય અને તમને નકારવામાં આવે યા સહાય અટકાવી દેવાય તો શું કરવું એ આ માર્ગદર્શિકામાં અમે સમજાવ્યું છે.

શું મને અસાઇલમ સપોર્ટ મળી શકે?

નીચે બતાવેલ મુદ્દા લાગુ પડતા હોય તો જ તમને અસાઇલમ સપોર્ટ માટે યોગ્ય ગણવામાં આવશે:

તમારી ઉંમર ૧૮થી ઓછી છે?

૧૮ વર્ષથી નાના બાળકો યુકેમાં એકલા (‘સગીર વયના અને સથવારા વગરના’) આવે તો અસાઇલમ સપોર્ટ ના માગી શકે પણ એમની લોકલ ઑથોરિટી (સ્થાનિક કાઉન્સિલ) એનું ધ્યાન રાખે છે.

  • યુરોપિયન કન્વેન્શન ફોર હ્યુમન રાઇટ્સ (માનવ અધિકારો માટેનું યુરોપનું કરારનામું) ની ત્રીજી કલમ હેઠળ તમે આશ્રય માટે માગણી કરી હોય.
  • ‘ખાસ નિયુક્ત જગા’ ઉપર – મતલબ કે ક્રોયડન, લીવરપુલ યા સોલિહલમાંના હોમ ઑફિસના પરીક્ષણ કેન્દ્ર (સ્ક્રીનીંગ યુનિટ) માં – તમે અરજી કરી હોય.
  • તમારી અરજી યા અપીલ હજી વિચારણા હેઠળ હોય.
  • તમારી ઉંમર ૧૮ વર્ષ કે એથી વધારે હોય.
  • તમે નિરાધાર હો. મતલબ કે તમારે પોતાને માટે યા બાળકો માટે તમારી પાસે પૈસા ન હોય અથવા રહેઠાણ માટે કોઇ જગા ન હોય.

તમારા ઉપર નભી રહ્યા હોય એવા તમારા આશ્રિતો હોય, જેમ કે ૧૮ વર્ષથી નાની વયના બાળકો અથવા જીવનસાથી, પતિ કે પત્ની, તો એમને માટેની સહાય તમને આપવામાં આવશે.

બીઆઇએ મને કેવી રીતે સહાય કરશે?

અસાઇલમ સપોર્ટના બે મુખ્ય પ્રકાર હોય છે. એક એવા લોકો માટે છે કે જેમણે આશ્રય માટે અરજી કરી હોય. બીજો પ્રકાર ફક્ત એવા લોકો માટે છે જેમની આશ્રયની અરજી નિષ્ફળ ગઇ હોય.

સેક્શન ૯૫હેઠળ સહાય

તમે જ્યારે આશ્રય માટે અરજી કરો અને સહાય માગો ત્યારે સામાન્યતઃ તમને ‘સેક્શન ૯૫’ મથાળા હેઠળ સહાય મળશે. આશ્રયની અરજી વિચારણા હેઠળ હોય તે દરમ્યાન ‘સેક્શન ૯૫’ હેઠળ સહાય આપવામાં આવે છે. તમને રહેવા માટે જગા મેળવી આપવામાં આવશે તેમ જ તમારી ઉંમર અને પરિસ્થિતિ અનુસાર અઠવાડિયાના ૩૨ થી ૪૨ પાઉન્ડ આપવામાં આવશે. સહાયની અરજી કરવા માટે એક ફોર્મ ભરવાનું હોય છે જે હોમ ઑફિસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય યા નજીકની ‘વન સ્ટોપ સર્વિસ’ની ઓફિસમાંથી મળી શકે. ‘વન સ્ટોપ સર્વિસ’ તમને ફોર્મ ભરવામાં મદદ કરી શકે છે અને તમારા વતી એ બીઆઇએને મોકલી શકે છે.

એક વાર બીઆઇએ તમારી અરજી મંજૂર કરે એટલે તમને રહેવા માટે જગા તેમ જ ખાધાખોરાકી પેટે પૈસા આપવામાં આવશે. અહીં આવનારા ઘણાખરા શરણાર્થીઓને હવે દેશના ભિન્ન-ભિન્ન વિસ્તારોમાં મોકલવામાં આવે છે એટલે તમને કઇ જગાએ રહેઠાણ મળશે એ બાબત તમારા હાથમાં નથી. આને વિસ્તરણ કહે છે. અમુક શરણાર્થીઓને લંડનમાં રહેવા દેવાય છે પણ આવું ફક્ત ખાસ સંજોગોમાં જ બને છે.

રહેવાની જગા તમારી પાસે અગાઉથી હોય જ તો સહાયમાં જે રોકડ હિસ્સો છે તે જ માગી શકાય. આને ગુજારો કરવા પૂરતી સહાય કહે છે. એની અરજી કરવા માટે પણ નજીકની ‘વન સ્ટોપ સર્વિસ’ ઓફિસમાંથી તમને મદદ મળી શકશે.

મને કેટલા સમય સુધી સહાય મળશે?

જેમાં આશ્રિત બાળકો હોય તેવા પરિવારો

તમારા આશ્રયે બાળકો હોય તો એ સંજોગોમાં તમે યુકે છોડો ત્યાં સુધી યા સૌથી નાનું બાળક અઢાર વર્ષનું થાય ત્યાં સુધી તમને સહાય મળી શકશે.

તમને મળતી સહાય ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આશ્રયની તમારી અરજી વિચારણા હેઠળ હોય અને આખરી નિર્ણય ન લેવાયો હોય . આમાં અપીલ પણ આવી જાય છે. તમને અહીં રહેવાની પરવાનગી મળે તો એ નિર્ણયની જાણ તમને થયા બાદ ૨૮ દિવસ પછી એ સહાય અટકી જશે. ત્યાર બાદ તમે કામધંધો કરી શકશો યા ઇન્કમ સપોર્ટ કે જોબસીકર્સ એલાવન્સ જેવા કલ્યાણકારી ભથ્થા – બેનિફિટ – માગી શકશો.

આશ્રયની તમારી અરજી નકારવામાં આવે (અપીલ બાદ પણ) તો તમને અસાઇલમ સપોર્ટનો હક્ક નથી રહેતો, અને નિર્ણયની જાણ તમને થયા બાદ ૨૧ દિવસ પછી એ અટકી જશે. એ વખતે હોમ ઑફિસની અપેક્ષા હોય છે કે તમે વતન પાછા ફરવાની તૈયારી કરશો. આમ છતાં, કોઇ કારણસર તમે યુકે ના છોડી શકો તો કદાચ ‘સેક્શન ૪’ હેઠળ તમને સહાયનો હક્ક મળે.

આશ્રયની અરજી નિષ્ફળ ગઇ હોય તેવા શરણાર્થીઓ માટે ‘સેક્શન ૪’હેઠળ સહાય

આશ્રયની અરજી નિષ્ફળ જાય તો તમે કદાચ ‘સેક્શન ૪’ હેઠળ સહાય મેળવી શકશો, પણ એ કોને કોને મળી શકે એ બાબતના નિયમો ખૂબ કડક છે. પહેલી વાત તો એ છે કે તમે નિરાધાર હો. બીજું કે તમને નીચેના કોઇ મુદ્દા લાગુ પડતા હોય:

નિરાધાર

આનો મતલબ કે તમારે પોતાને માટે યા બાળકો માટે તમારી પાસે પૂરતા પૈસા ન હોય અથવા રહેઠાણ માટે કોઇ જગા ન હોય.

  • વતન પાછા ફરવા માટેની તૈયારી તમે આરંભી દીધી હોય અને બધી વ્યવસ્થાઓને આખરી રૂપ આપવાની જ વાર હોય. આ બાબતની સાબિતી તમારે બીઆઇએને પાઠવવી પડશે.
  • સફર ના કરી શકો એવી કોઇ ગંભીર બિમારી તમને હોય અને એ કારણથી તમે યુકે છોડી શકો એમ ના હો. તમને શું તકલીફ છે અને શા માટે તમે સફર કરવા અસમર્થ છો એમ બતાવતો તમારા ડૉક્ટરનો કાગળ તમારે રજૂ કરવો પડશે.
  • ગૃહમંત્રી એમ કહે કે વતન પાછા ફરવા માટે કોઇ સલામત રસ્તો નથી (આ લખાય છે ત્યારે આ બાબત કોઇ પણ દેશને લાગુ નથી પડતી).
  • આશ્રય બારામાં જે નિર્ણય લેવાયો છે તે વિશે તમે ન્યાયિક સમીક્ષા (જ્યુડિશિયલ રિવ્યુ) ની માગણી કરી હોય.
  • માનવ અધિકાર ધારાની ત્રીજી કલમ હેઠળ તમે આશ્રય માટે નવી અરજી કરી હોય, યા તમે અન્ય કોઇ અરજીઓ કરી હોય તેના ઉપર હોમ ઑફિસ હજુ વિચારણા કરતી હોય.

તમને સેક્શન ૪ હેઠળ સહાય માટે યોગ્ય ગણવામાં આવે તો રહેઠાણ મળશે તેમ જ દર અઠવાડિયા માટે ૩૫ પાઉન્ડના વાઉચર મળશે. સેક્શન ૪ હેઠળ કોઇ રોકડ રકમની સહાય નહીં મળે.

અસાઇલમ સપોર્ટ અપીલ્સ પ્રોજેક્ટ, ઑક્ટોબર ૨૦૦૬


  • Asylum Support Appeals Project, October 2006

This document was provided by Advicenow (Asylum Support Appeals Project, October 2006). Updated June 2007, www.advicenow.org.uk