ઘરકામ કરનારાઓ
Domestic workers
તમારા એમ્પ્લોયરની સાથે, એનું ઘરકામ કરવા અર્થે તમે યુનાઇટેડ કિંગ્ડમ આવતા હો તો તમારી પાસે શું જાણકારી હોવી જોઇએ તે આ પત્રિકામાં સમજાવવામાં આવ્યું છે. એ ફક્ત માર્ગદર્શક બની રહેશે અને એનો ધ્યેય છે વારંવાર પુછાતા સવાલોના ઉત્તર આપવાનો.
હું યુનાઇટેડ કિંગ્ડમમાં કેટલા સમય સુધી રહી શકું?
તમારા એમ્પ્લોયર યુનાઇટેડ કિંગ્ડમમાં મુલાકાતી તરીકે આવી રહ્યા હોય અને તમે ઘરકામ કરનાર તરીકે યુનાઇટેડ કિંગ્ડમ આવવાની અરજી કરો તો સામાન્યતઃ તમને છ મહિના માટે રહેવાની પરવાનગી મળશે. તમારા એમ્પ્લોયર વધુ લાંબા સમય માટે અહીં રહેવાના હોય તો તમને સામાન્યતઃ ૧૨ મહિના માટે રહેવાની પરવાનગી મળશે.
તમારી અહીં રહેવાની પરવાનગીની મુદત પૂરી થાય એ પહેલા કાં તો
- યુનાઇટેડ કિંગ્ડમ છોડી જવાની તૈયારી તમારે શરૂ કરી દેવી જોઇએ; અથવા,
- તમારૂં રોકાણ લંબાવવા માટે હોમ ઑફિસમાં અરજી કરવી જોઇએ.
તમારા પાસપોર્ટમાં જે છાપ લાગી હોય તેમાં તમારા એમ્પ્લોયરનું નામ ન હોવું જોઇએ. જો હોય તો હોમ ઑફિસનો સંપર્ક કરો યા કાનૂની સલાહકાર પાસેથી સલાહ માગી લો. તમારી રોકાણની પરવાનગીની મુદત ક્યારે પૂરી થાય છે એ બાબત કોઇ શંકા હોય તો પણ સલાહ માગી લેવી.
હું યુનાઇટેડ કિંગ્ડમમાં હોઉં ત્યારે મારી નોકરી બદલી શકું?
તમે નોકરી બદલી શકો પણ શરત એટલી કે તમારી નવી નોકરી સમાન કક્ષાની અને કોઇ પ્રાઇવેટ ઘરકુટુંબમાં હોવી જોઇએ. દા.ત., આમાં બાળસંભાળ, ઘરકુટુંબની અર્થવ્યવસ્થા વિગેરે આવી જાય છે. નોકરી બદલીને તમે સાધારણ સફાઇકામ જેવી નોકરી ના લઇ શકો.
યુનાઇટેડ કિંગ્ડમમાં આવ્યા પછી તમે સૌ પ્રથમ જ્યારે નોકરી બદલો ત્યારે હોમ ઑફિસને લખીને જાણ કરવી જોઇએ.
એમને આ વિગતો જોઇશે:
- પાસપોર્ટ પ્રમાણે તમારૂં પૂરૂં નામ અને જન્મતારીખ;
- તમને પ્રવેશ પરવાનગી અસલમાં ક્યાંથી અને ક્યારે મળી;
- તમારા મૂળ એમ્પ્લોયર તથા નવા એમ્પ્લોયર બારામાં વિગતો; અને,
- નોકરી બદલવાનું કારણ
રોકાણ લંબાવવાની અરજી કરવાની જરૂર ના પડે ત્યાં સુધી તમારે કોઇ વિધિવત્ અરજી કરવાની હોતી નથી.
યુનાઇટેડ કિંગ્ડમમાં તમે ચાર વર્ષ માટે કામ કરેલું હોય અને અમર્યાદિત મુદત માટે રહેવાની પરવાનગી તમને મળી ગઇ હોય તો એની મંજૂરી લીધા વગર તમે બીજી કોઇ પણ નોકરી કરી શકો છો.
મારૂં રોકાણ લંબાવવા માટે હું કેવી રીતે અરજી કરી શકું?
તમારે એક અરજીપત્રક ભરવાનું રહેશે. યોગ્ય અરજીપત્રક વગરની અરજીઓ નહીં સ્વીકારવામાં આવે (સિવાય કે તે અસાઇલમ – રાજ્યાશ્રય – માટે હોય, વર્ક પર્મિટ માટે હોય યા યુરોપિયન કૉમ્યૂનિટીના કાયદા હેઠળ હોય).
રોકાણ લંબાવવા માટે FLR(O) નામનું અરજીપત્રક મેળવો.
રોકાણ અમર્યાદિત મુદત માટે લંબાવવા અર્થે SET(O) નામનું અરજીપત્રક મેળવો.
અરજીપત્રક મેળવવા માટે ૦૨૪ ૭૬૨૨ ૩૦૫૩ (024 7622 3053) ઉપર કોવેન્ટ્રી લૉ સેન્ટરનો સંપર્ક કરો.
પૂરૂં ભરેલું અરજીપત્રક તમારી અહીં રહેવાની પરવાનગીની મુદત પૂરી થાય તે પહેલાં ટપાલ દ્વારા હોમ ઑફિસને મોકલી આપવું જોઇશે. અરજીની સાથે કયા કયા દસ્તાવેજો મોકલવાના અને અરજીપત્રક ક્યાં મોકલવું એ બધી વિગત અરજીપત્રકમાં હશે.
નીચે બતાવેલ કાગળિયાં મોકલવાના હોય છે:
- તમારો પાસપોર્ટ;
- તમને નોકરી પર ચાલુ રાખવાની બાંહેધરી આપતો પત્ર તમારા એમ્પ્લોયર પાસેથી;
- તમારી નોકરીની શરતો, તમારી ફરજો, પગારના દર અને કામ કરવાના કલાકોની વિગતો આપતો પત્ર તમારા એમ્પ્લોયર પાસેથી; આ દસ્તાવેજમાં તમારી તેમ જ એમ્પ્લોયરની સહી હોવી જોઇએ;
- રાષ્ટ્રિય લઘુતમ પગારદર (નેશનલ મિનિમમ વેજ) વિશે યુનાઇટેડ કિંગ્ડમના કાયદાને અનુસરવાની બાંહેધરી આપતો પત્ર તમારા એમ્પ્લોયર પાસેથી; જો કે, એમ્પ્લોયર આનો ઇન્કાર કરે તો એ કારણથી તમારી અરજીને નકારી શકાય નહીં;
- સરકારી ભંડોળની મદદ વગર તમે તમારો ગુજારો કરી શકશો અને રહેણાંકની વ્યવસ્થા કરી શકશો એની સાબિતી.
તમને તાકીદે સફર કરવાની જરૂર ઊભી થાય તો હોમ ઑફિસની જાહેર ઇન્ક્વાયરી ઑફિસમાં જઇને રૂબરૂ અરજી કરી શકાય છે.
દરેક કાગળિયાં અસલ હોવા જોઇએ, સિવાય કે અરજી સાથે તેને રજૂ ના કરવા પાછળ કોઇ સબળ કારણ તમે બતાવી શકો. સાધારણ રીતે હોમ ઑફિસ કાગળિયાંની ફોટોકોપી નથી સ્વીકારતી.
તમારી અરજી સફળ થાય તો હોમ ઑફિસ સાધારણ રીતે તમને યુનાઇટેડ કિંગ્ડમમાં ૧૨ મહિના માટે રહેવાની પરવાનગી આપશે. ઘરકામની નોકરી તમે સતત ચાર વર્ષ માટે કરો તો ત્યાર બાદ યુનાઇટેડ કિંગ્ડમમાં કાયમી વસવાટ માટે અરજી કરી શકો છો.
મારા પ્રતિ કોઇ ગુનો આચરવામાં આવે તો શું મને કાયદાનું રક્ષણ મળી શકશે?
યુનાઇટેડ કિંગ્ડમમાં રહેનાર દરેક વ્યક્તિ ફોજદારી કાયદાના સંપૂર્ણ રક્ષણને પાત્ર છે, ભલે તેની નાગરિકતા ગમે તે હોય યા તેના અહીંના રોકાણની શરતો ગમે તે હોય. હુમલા બારામાં યુનાઇટેડ કિંગ્ડમમાં કડક કાયદા છે. દા.ત., નીચે બતાવેલ બાબતો કાયદા વિરુદ્ધ છે:
- તમારી ઇચ્છા વિરુદ્ધ તમને ઘરની અંદર પૂરી રાખવા;
- તમારી અનુમતિ વગર તમારી સાથે સંભોગ કરવો; અથવા,
- તમારા તરફ હિંસક આચરણ કરવું.
તમારા ઉપર કોઇ હુમલો કરે તો પોલીસને એ જણાવવું જોઇએ. એનું સરનામું અને ટેલિફોન નંબર ટેલિફોન બુકમાં ‘પોલીસ’ હેઠળ મળી રહેશે. કટોકટી ટાણે ૯૯૯ (999) નંબર જોડો અને પોલીસ સાથે વાત કરવાનું માગો. એ તમને મદદ કરશે.
પોલીસનો સીધો સંપર્ક કરવામાં તમને મુશ્કેલી જણાય તો નીચે બતાવેલ સ્થળેથી ગુપ્ત સહાય અને સલાહ મળી શકશે:
કાલાયાન – Kalayaan
St Francis Centre
Pottery Lane
London W11 4NQ
ટેલિફોન ૦૨૦ ૭૨૪૩ ૨૯૪૨ (020 7243 2942)
તમને યુનાઇટેડ કિંગ્ડમમાં રહેવાની પરવાનગી મળી છે એ તમારા પાસપોર્ટથી સાબિત થાય છે. આ અગત્યનો દસ્તાવેજ છે અને એને સુરક્ષિત જગાએ રાખવો જોઇએ. તમારા એમ્પ્લોયરને એ ન સોંપવો જોઇએ. તમારી અનુમતિ વગર જો એમ્પ્લોયરે તમારો પાસપોર્ટ રાખ્યો હોય અને પાછો આપવાનો ઇન્કાર કરતો હોય તો તમારે પોલીસને તથા તમારા રાજદ્વારી મથકને (એલચી ખાતાને) જાણ કરવી જોઇએ.
રોજગારને લગતા મારા શું અધિકાર છે?
નોકરીની શરતો તમે અને એમ્પ્લોયરે આપસમાં કબૂલ કરી લીધી હોવી જોઇએ. આ દસ્તાવેજની તમારી પોતાની એક નકલ તમારી પાસે હોવી જોઇએ.
તમારી મંજૂરી વગર તમારા એમ્પ્લોયર નોકરીની શરતોમાં ફેરફાર ના કરી શકે. દા.ત., એમ્પ્લોયરની જવાબદારી છે કે:
- કબૂલ કરેલ દર મુજબ તમને પગાર આપવો;
- કબૂલ કર્યા મુજબ તમને હોલીડે પેટે પગાર આપવો; અને,
- નોટિસ આપવાનો તમારો અધિકાર છે તે તમને આપવો.
જો એ આમ ના કરે તો એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ કે ઇન્ડસ્ટ્રિયલ ટ્રાયબ્યુનલ અથવા કોર્ટ મારફત કાનૂની કાર્યવાહી તમે હાથ ધરી શકો છો.
નોકરીનો પાકો કરાર ના હોય તો પણ કાયદો તમને અમુક અધિકાર આપે છે, જેમ કે, વિશ્રામનો સમય, ચાલુ પગારે રજા, લિંગ યા વર્ણને આધારે ભેદભાવ, મેટરનિટી રજા અને બાળઉછેર માટેની ખાસ રજા. સલાહ માટે તમારા મજૂરમંડલનો સંપર્ક કરો.
મજૂરમંડલો કામદારોના અધિકારોની રક્ષા કરે છે. ટ્રાન્સ્પોર્ટ એન્ડ જનરલ વર્કર્સ યુનિયન (ટિજિડબ્લ્યુયુ) તમને કેવી રીતે મદદ કરી શકે તેની વિગતો માટે નીચે બતાવેલ સરનામે એમનો સંપર્ક કરો:
ટ્રાન્સ્પોર્ટ એન્ડ જનરલ વર્કર્સ યુનિયન
Transport and General Workers Union
Transport House
16 Palace Street
London SW1E 5JD
મને તબીબી સારવારની જરૂર પડે તો શું?
યુનાઇટેડ કિંગ્ડમમાં તમારો ‘સામાન્ય વસવાટ’ હોવાથી તમે યુનાઇટેડ કિંગ્ડમના સ્વાસ્થ્ય સેવા સંકુલ પાસેથી તબીબી સેવા નિઃશુલ્ક મેળવી શકો છો. ‘સામાન્ય વસવાટ’નો મતલબ છે કે તમે રોજગાર માટે યુનાઇટેડ કિંગ્ડમમાં આવ્યા છો યા યુનાઇટેડ કિંગ્ડમમાં આવ્યાને ૧૨ મહિનાથી વધારે સમય થઇ ગયો છે. સારવાર મેળવવા માટે તમારે ડૉક્ટરને ત્યાં રજીસ્ટર થવું પડશે.
નજીકના ડૉક્ટરના ફોન નંબર માટે ટેલિફોન ડાયરેક્ટરી ઇન્ક્વાયરીને ફોન કરી શકાય છે, અથવા, હેલ્થ ઇન્ફોર્મેશન સર્વિસને ૦૮૦૦ ૬૬ ૫૫ ૪૪ (0800 66 55 44) ઉપર મફત ફોન કરી શકાય છે.
મારી નોકરી ના રહે તો હું યુનાઇટેડ કિંગ્ડમમાં રોકાઇ શકું?
હા, યુનાઇટેડ કિંગ્ડમમાં રોકાણની તમારી પરવાનગી જ્યાં સુધીની હોય ત્યાં સુધી રોકાઇ શકો છો પણ એ શરતે કે જાહેર (સરકારી) ભંડોળની મદદ લીધા વગર તમે તમારો નિર્વાહ કરી શકો એટલા પૈસા તમારી પાસે હોય.
યુનાઇટેડ કિંગ્ડમમાં તમે ચાર વર્ષ માટે કામ કરેલું હોય અને અમર્યાદિત મુદત માટે રહેવાની પરવાનગી તમને મળી ગઇ હોય તો હોમ ઑફિસની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર તમે નોકરી બદલી શકો છો.
રોકાણની પરવાનગીની મુદત પૂરી થાય એ પહેલા તમારે યુનાઇટેડ કિંગ્ડમ છોડવાની તૈયારી કરવી જોઇએ. તમારી નોકરી ઘરકામની નહીં રહે તો હોમ ઑફિસ તમને યુનાઇટેડ કિંગ્ડમમાં રોકાવાની પરવાનગી નહીં આપે.
તમે બીજું કોઇ કામ કરો અથવા રોકાણની પરવાનગીની મુદત પૂરી થાય પછી યુનાઇટેડ કિંગ્ડમમાં રહી જાવ તો કાયદો ભંગ કર્યો ગણાશે.
વતન પાછા જવા માટે તમારી પાસે પૈસા કે ટિકિટ ના હોય તો તમારા રાજદ્વારી મથકનો સંપર્ક કરો. રાજદ્વારી મથકનું સરનામું અને ટેલિફોન નંબર લંડનની ટેલિફોન બુકમાં હશે, અથવા ૧૧૮ ૫૦૦ (118 500) ઉપર ડાયરેક્ટરી ઇન્ક્વાયરીને ફોન કરી શકાય.
જાહેર (સરકારી) ભંડોળ એટલે શું?
તમે યુનાઇટેડ કિંગ્ડમમાં રહેવા કે વસવાટ માટે આવો તો અમુક સરકારી બેનિફિટ માગ્યા વગર તમારે ગુજારો કરવો પડશે અને આવાસ મેળવવો પડશે. આ બેનિફિટ નીચે મુજબ છેઃ
- ઇન્કમ સપોર્ટ અને જોબસીકર્સ એલાવન્સ (JSA);
- રહેણાક અને બેઘરને માટેની સહાય;
- હાઉસીંગ બેનિફિટ અને કાઉન્સિલ ટૅક્સ બેનિફિટ;
- વર્કીંગ ફેમિલીઝ ટૅક્સ ક્રેડિટ;
- સોશિયલ ફંડમાંથી મળતી રકમ
- ચાઇલ્ડ બેનિફિટ, અથવા
- ડિસેબિલિટી માટેનું કોઇ પણ ભથ્યું.
મારો એમ્પ્લોયર યુનાઇટેડ કિંગ્ડમ છોડી જાય તો મારે શું કરવું?
તમારા એમ્પ્લોયર યુનાઇટેડ કિંગ્ડમ આવ્યા ત્યારે તેની સાથે જ તમે પણ આવ્યા હો, તો એ જાય ત્યારે તમે પણ જશો એવી અપેક્ષા રાખવામાં આવે છે. તમે વધારે રોકાઇ જાવ તો કામધંધો નહીં કરી શકો, સિવાય કે એના નિકટના પરિવારજનો પણ આવ્યા હોય અને એ લોકો તમને કામે રાખવાના હોય. ગમે તેમ, પણ તમારી પરવાનગીની મુદત પૂરી થાય ત્યારે તો તમારે દેશ છોડવો જ જોઇએ.
તમારા એમ્પ્લોયર યુનાઇટેડ કિંગ્ડમની બહાર જાય ત્યારે જો એની કર્મભૂમિ યુનાઇટેડ કિંગ્ડમમાં જ હોય અને એ પાછા ફરવાના હોય તો એવી સફરમાં તમારે એની સાથે જવું જરૂરી નથી. તમારા એમ્પ્લોયર જો કાયમ માટે યુનાઇટેડ કિંગ્ડમ છોડી જાય તો તમારે પણ તે જ વખતે છોડવું પડશે. જો ના જાવ તો રોકાણની પરવાનગીની મુદત પૂરી થતા પહેલા યુનાઇટેડ કિંગ્ડમ છોડવાની તૈયારી રાખવી જરૂરી છે.
મારે પોલીસમાં રજીસ્ટર થવું પડે?
પોલીસમાં તમારે રજીસ્ટર થવું પડે એવી આવશ્યકતા હોય તો એ મતલબની છાપ હોમ ઑફિસ તમારા પાસપોર્ટમાં મારશે. યુનાઇટેડ કિંગ્ડમમાં પ્રવેશ્યા બાદ સાત દિવસની અંદર તમારે રજીસ્ટર થવું પડશે.
રજીસ્ટર થવા માટે તમારો પાસપોર્ટ તથા પાસપોર્ટ સાઇઝના તમારા બે ફોટા જોઇશે. મેટ્રોપોલિટન પોલીસના વિસ્તારમાં તમે રહેતા હો તો નીચે બતાવેલ જગાએ એને લઇ જાવ:
ધી ઓવરસીઝ વિઝિટર્સ રેકોર્ડ ઑફિસ
The Overseas Visitors Record Office
Brandon House
180 Borough High Street
London SE1 1LH
આ ઑફિસ સોમવાર થી શુક્રવાર સવારના ૯.૦૦થી બપોર પછી ૪.૩૦ સુધી ખુલે છે. ટેલિફોન નંબર ૦૨૦ ૭૨૩૦ ૧૨૦૮ (020 7230 1208) ઉપર ‘ધી ઓવરસીઝ વિઝિટર્સ રેકોર્ડ ઑફિસ’ પાસેથી વધારે માહિતી મળી શકશે.
તમે મેટ્રોપોલિટન પોલીસના વિસ્તારમાં ના રહેતા હો તો બીજા પોલીસ રજીસ્ટ્રી મથકોના સરનામા તથા તેના ખુલવાના સમયની માહિતી માટે તમારા સ્થાનિક પોલીસ ખાતાનો સંપર્ક કરો. પોલીસમાં રજીસ્ટર થવા માટે તમારે ફી ભરવાની રહેશે.
મારો એમ્પ્લોયર મારો પાસપોર્ટ રાખી શકે?
તમને યુનાઇટેડ કિંગ્ડમમાં રહેવાની પરવાનગી મળી છે એ તમારા પાસપોર્ટથી સાબિત થાય છે. આ અગત્યનો દસ્તાવેજ છે અને એને સુરક્ષિત જગાએ રાખવો જોઇએ. તમારા એમ્પ્લોયરને એ ન સોંપવો જોઇએ. તમારી અનુમતિ વગર જો એમ્પ્લોયરે તમારો પાસપોર્ટ રાખ્યો હોય અને પાછો આપવાનો ઇન્કાર કરતો હોય તો તમારે પોલીસને તથા તમારા રાજદ્વારી મથકને જાણ કરવી જોઇએ.
અપીલ
કોવેન્ટ્રી લૉ સેન્ટર કાનૂની સલાહ અને પ્રતિનિધિત્વ નિ:શુલ્ક આપી શકે છે.
અપીલ કરવા વિશે લૉ સેન્ટર તમને સલાહ આપશે, અને કદાચ સુનાવણીમાં તમારા વતી પ્રતિનિધિત્વ પણ કરશે. અપીલની એપોઇન્ટમેન્ટ માટે તમે લૉ સેન્ટરનો સંપર્ક કરી શકો છો અથવા મફત કાનૂની સલાહ માટે મંગળવારે અને ગુરૂવારે સવારના ૧0:૦૦ થી ૧૨:૦૦ ની વચ્ચે નંબર ૦૨૪ ૭૬૨૫ ૩૧૬૮ (024 7625 3168) ઉપર ફોન કરી શકો છો.
This document was provided by Coventry law Centre, www.covlaw.org.uk