Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

દત્તક લીધેલ બાળકો
Adopted Children

દત્તક લીધેલ બાળકો એના યુનાઇટેડ કિંગ્ડમ-સ્થિત માબાપ યા કોઇ એક માવતર પાસે રહેવા આવતા હોય તો એને લાગુ પડતા ઇમીગ્રેશનના નિયમો આ પત્રિકામાં સમજાવવામાં આવ્યા છે.

મેં દત્તક લીધેલ બાળકને યુનાઇટેડ કિંગ્ડમ લાવવા માટેની મારી યોગ્યતા કેવી રીતે નક્કી થાય?

આ બે બાબત તમારે સાબિત કરવી પડશેઃ

  • હાલમાં તમે યુનાઇટેડ કિંગ્ડમમાં રહો છો અને વસવાટ કરો છો તે કાયદેસર છે અને તમારા અહીંના રોકાણ પર કોઇ સમય મર્યાદા લાગુ નથી પડતી; અને
  • જાહેર ભંડોળમાંથી મદદ લીધા વગર તમે તમારા બાળકનું ગુજરાન ચલાવી શકશો અને એને રહેઠાણ આપી શકશો.

મેં દત્તક લીધેલ બાળકને યુનાઇટેડ કિંગ્ડમ આવીને મારી સાથે રહેવા માટેની એની યોગ્યતા કેવી રીતે નક્કી થાય?

તમારે અથવા એ બાળકે સાબિત કરવું પડશે કેઃ

  • તે પોતાના પગભર નથી, એણે લગ્ન નથી કર્યા અને એક સ્વતંત્ર પારિવારિક એકમ એણે નથી સ્થાપ્યું;
  • એની ઉંમર 18 વર્ષથી ઓછી છે;
  • એને દત્તક લેવાયો ત્યારે મા અને બાપ બન્ને પરદેશમાં સાથે જ વસતા હતા અથવા એ બેમાંથી એક માવતર યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થાયી હતા;
  • એના અધિકારો બીજા કોઇ બાળક સમાન યા દત્તક લેનાર માબાપ સમાન હોય;
  • એને દત્તક લેવાનું કારણ એ છે કે એના અસલ માબાપ એની સંભાળ રાખી શકે એમ નથી અને એના ઉછેરની તમામ જવાબદારી ખરેખર અન્ય કોઇને સોંપવામાં આવી છે;
  • એણે પોતાના અસલ પરિવાર સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે; અને
  • એને દત્તક લેવા પાછળ માત્ર એ એક જ આશય ના હોય કે એને યુનાઇટેડ કિંગ્ડમમાં પ્રવેશ સરળતાથી મળે.

એ દત્તક લીધેલ બાળક યુનાઇટેડ કિંગ્ડમ તરફ પ્રયાણ કરે એ અગાઉ એણે એન્ટ્રી ક્લિઅરન્સ (પ્રવેશ પરવાનગી) મેળવી લેવું જોઇએ.

દત્તક લેવાનો આદેશપત્ર વિદેશી હોય તો એને યુનાઇટેડ કિંગ્ડમમાં માન્ય રખાશે?

1973 ના એડોપ્શન (ડેઝીગ્નેશન ઓફ ઓવરસીઝ એડોપ્શન) ઓર્ડર નામના ધારા હેઠળ આવતા હોય એમાંના કોઇ દેશનો આ આદેશપત્ર હોય તો જ એને યુનાઇટેડ કિંગ્ડમમાં માન્ય રખાશે. આવા દેશને નિયુક્ત દેશ કહે છે. દત્તકનો આદેશપત્ર આવા કોઇ નિયુક્ત દેશમાંથી ન હોય તો બાળક યુનાઇટેડ કિંગ્ડમની કોર્ટ મારફત દત્તક બનવા માટે આવવાની અરજી કરી શકે છે.

મેં દત્તક લીધેલ બાળક કેટલા સમય માટે રહી શકે?

બાળક કોઇ નિયુક્ત દેશમાં દત્તક લેવાયું હોય, અને તમે તથા તમારા જીવનસાથી બન્ને અહીં સ્થાયી થયા હો, અથવા એ બાળક માટેની જવાબદારી તમારે શિરે હોય, તો એ બાળક અહીં પ્રવેશે ત્યારથી એને કાયમ માટે રહેવાની પરવાનગી સામાન્યત્ મળશે.

નિયુક્ત દેશ ના હોય એવા કોઇ દેશમાં બાળકને દત્તક લેવાયું હોય તો સામાન્યત્ એને 24 મહિના માટે રહેવાની પરવાનગી મળશે જેથી યુનાઇટેડ કિંગ્ડમની કોર્ટ મારફત એને દત્તક લેવાની કાર્યવાહી હાથ ધરી શકાય.

મેં દત્તક લીધેલ બાળક આપોઆપ બ્રિટીશ નાગરિક બનશે?

દત્તક લેવાની કાર્યવાહી યુનાઇટેડ કિંગ્ડમ કોર્ટમાં કરેલી હોય અને દત્તક લેનાર મા યા બાપ (યા બન્ને) દત્તકનો આદેશપત્ર મેળવે ત્યારે બ્રિટીશ નાગરિક હોય તો જ એ બાળક બ્રિટીશ નાગરિક બની શકશે.

જાહેર ભંડોળ શું હોય છે?

તમે યુનાઇટેડ કિંગ્ડમમાં રહેવા કે વસવાટ માટે આવો તો અમુક સરકારી બેનિફિટ માગ્યા વગર તમારે ગુજારો કરવો પડશે અને આવાસ મેળવવો પડશે. આ બેનિફિટ નીચે મુજબ છેઃ

  • ઇન્કમ સપોર્ટ અને જોબસીકર્સ એલાવન્સ (JSA);
  • રહેણાક અને બેઘરને માટેની સહાય;
  • હાઉસીંગ બેનિફિટ અને કાઉન્સિલ ટેક્સ બેનિફિટ;
  • વર્કીંગ ફેમિલીઝ ટેક્સ ક્રેડિટ;
  • સોશિયલ ફંડમાંથી મળતી રકમ
  • ચાઇલ્ડ બેનિફિટ, અથવા
  • ડિસેબિલિટી માટેનું કોઇ પણ ભથ્યું.

એન્ટ્રી ક્લિઅરન્સ શું હોય છે?

તમને યુનાઇટેડ કિંગ્ડમ આવવા દેવા માટેના વિઝા કે પ્રવેશ પરવાનગીનું સર્ટિફિકેટ એ જ એન્ટ્રી ક્લિઅરન્સ છે. તમારૂં બાળક જે દેશમાં રહેતું હોય ત્યાંના બ્રિટીશ એલચીખાતામાં તમારે એન્ટ્રી ક્લિઅરન્સ માટે અરજી કરવાની હોય છે.

કયા બ્રિટીશ રાજદ્વારી મથકોમાંથી એન્ટ્રી ક્લિઅરન્સ મળી શકે છે એ બાબતમાં સલાહ વિદેશમાંના કોઇ પણ બ્રિટીશ રાજદ્વારી મથકમાંથી મળી રહેશે.

કોવેન્ટ્રી લૉ સેન્ટર કાનૂની સલાહ અને પ્રતિનિધિત્વ નિ:શુલ્ક આપી શકે છે.

અપીલ

અપીલ કરવા વિશે લૉ સેન્ટર તમને સલાહ આપશે, અને કદાચ સુનાવણીમાં તમારા વતી પ્રતિનિધિત્વ પણ કરશે. અપીલની એપોઇન્ટમેન્ટ માટે તમે લૉ સેન્ટરનો સંપર્ક કરી શકો છો અથવા મફત કાનૂની સલાહ માટે મંગળવારે અને ગુરૂવારે સવારના 10:00 થી 12:00 ની વચ્ચે નંબર 024 7625 3168 ઉપર ફોન કરી શકો છો.

કોવેન્ટ્રી લૉ સેન્ટર

Coventry Law Centre

The Bridge

Broadgate

Coventry

CV1 1NG

આ પરિપત્રમાં આપેલ માહિતી સાચી તેમ જ આજની તારીખને અનુરૂપ છે તેની બને એટલી ચોકસાઇ રાખવામાં આવી છે. આમ છતાં, કાયદાની નજરે એને સંપૂર્ણ કે સત્તાવાર ના ગણી શકાય, કાનૂની સલાહ ના કહેવાય, તેની ખાસ નોંધ લેવી. આમાં કોઇ પ્રકારની ભૂલચૂક હોય તેને માટે કે તેનાથી ઉપજતા માઠા પરિણામ માટે અમોને જવાબદાર ના ઠેરવી શકાય. યુનાઇટેડ કિંગ્ડમમાં વસતા યા એના કાયદાઓની અસર તળે આવતા લોકો માટે જ આ પરિપત્ર તૈયાર કરવામાં આવેલ છે.

This document was provided by Coventry law Centre, www.covlaw.org.uk