Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

અસાઇલમ માગવા વિશે: રાહ જોઇ રહ્યા હો તે દરમ્યાનના તમારા અધિકાર
Claiming asylum: your right while you are waiting

હું રાહ જોઇ રહ્યો હોઉ તે દરમ્યાન શેનાથી ગુજારો કરી શકું

આપની પાસે નાણાં ન હોય તો સામાન્ય રીતે આપનો કેસ વિચારણા હેઠળ હોય ત્યાં સુધી આધાર માગી શકો છો. આ યોજના નેશનલ અસાઇલમ સપોર્ટ સર્વિસ (NASS) દ્વારા ચલાવાય છે. જેઓ પોતાની જાતે જ અરજી કરી રહ્યા તેવા બાળકોને અલગ વ્યવહાર લાગુ પડે છે – તેમને લોકલ કાઉન્સિલ પાસેથી આધાર મળશે.

હોમ ઑફિસને એમ લાગે કે અસાઇલમ માટે અરજી કરવામાં તમે અણછાજતી ઢીલ કરી છે તો તે આપના આધારને નકારી શકે છે. આ કારણથી તમને આધાર નકારવામાં આવે તો, આ નિર્ણયની સામે તમે અપીલ ના કરી શકો, પરંતુ તમારે બને તેટલી વહેલી તકે સલાહ લેવી જોઈએ.

આધાર માટે અરજી કરવી

તમને આધાર માગવાની છૂટ અપાય તો, તમારે એક લાંબું ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. યુકેમાં તમે ગમે ત્યાં રહેતાં હો તો પણ એ ફોર્મ અંગે મદદ મળી શકે છે. આ મદદ ‘વન-સ્ટોપ સર્વિસીસ’ચલાવતી હોય તેવી સંસ્થા પાસેથી મળી શકે છે. તમને આ ફોર્મ મળે ત્યારે હોમ ઑફિસમાંથી, યા નિર્વાસિતોને આધાર આપનાર અન્ય કોઇ સંસ્થા પાસેથી આવી ‘વન-સ્ટોપ સર્વિસીસ’વિશે વિગતો મળી શકે છે.

આપ રહેઠાણ (આવાસ), આર્થિક આધાર (નાણાં), કે બન્ને માટે અરજી કરી શકો છો. આપને આધાર માત્ર ત્યારે જ અપાય જ્યારે આપની હાલત 'કંગાળ' (નાણાં વગરના) હોય. જો આપની પાસે કોઇ નાણાં હોય યા NASS માને કે તમે થોડાંક મેળવી શકો એમ છો તો તમારે એનાથી ગુજારો ચલાવવો પડશે, પછી જ કોઇ આધાર મળશે.

આપને આધાર નકારવામાં આવે યા આપની અસાઇલમની અરજીના અંતિમ નિર્ણય પહેલા આપનો આધાર પાછો ખેંચી લેવાય તો, આપ એક ખાસ પંચને અપીલ કરી શકો છો. તમને આધાર નકારવામાં આવે તો અપીલ માટે એક ફોર્મ મળશે. અપીલ તૈયાર કરવા અર્થે નિ:શુલ્ક કાનૂની સહાય મળી શકે છે, પણ સુનાવણીમાં તમારા વતી રજૂઆત કરવા માટે નહીં. તમે સુનાવણી માટે પહોંચો ત્યારે કદાચ એવો કોઇ કાયદાશાસ્ત્રી મળી રહે જે તમને નિ:શુલ્ક સહાય કરી શકે .

આપને શું મળી શકે

તમને સહાય વાઉચરના રૂપમાં અપાશે, જેના રોકડા પોસ્ટ ઑફિસે કરી શકાશે. પરંતુ તમને યા તમારા પરિવારમાં કોઇને તબીબી કે અન્ય કોઇ ખાસ જરૂરિયાતો હોય જેનો ખર્ચ તમને પોસાય એમ ન હોય તો એ ખર્ચ પેટે રાહત માગી શકો છો.

તમને ક્યાં આવાસ અપાશે

તમને આધાર પ્રદાન કરાય અને તમને આવાસની જરૂર હોય તો પ્રથમ તમને કટોકટી કક્ષાનું રહેઠાણ મળશે, જે સામાન્ય રીતે લંડન કે કેન્ટમાં (લંડનની દક્ષિણે) કોઇ હોસ્ટેલ હશે. પછી તમને દેશના અન્ય ભાગમાં મોકલવામાં આવશે (‘વિખેરવામાં આવશે’), સિવાય કે લંડનમાં રહેવા માટે તમારી પાસે સબળ કારણ હોય – ઉદાહરણ તરીકે, તમે ત્રાસ ભોગવ્યો હોય તેથી તમને ખાસ સંભાળની જરૂર હોય. લંડનમાં નજીકના સગાં રહે છે એ કારણ ઉચિત નહીં ગણાય.

તમને બીજે ક્યાંય મોકલાવામાં આવે તો ક્યાં જશો એ તમારી પસંદગીની વાત નથી. દેશના દરેક ભાગમાં 'વન-સ્ટોપ સર્વિસ' હોય છે જે તમને સલાહ અને સહાય આપી શકશે; તમને તેનો સંપર્ક કરાવવામાં આવશે.

આ પ્રમાણે વિખેરાઇ જવા માટે તમે અનિચ્છા બતાવો તો, સંભવ છે કે તમને માત્ર આધાર જ મળશે, અને રહેઠાણ નહીં મળે. તમારે જાતે જ ક્યાંક રહેવાનું શોધવું પડે (ઉદાહરણ તરીકે, મિત્રો સાથે).

આધાર ક્યારે અટકી જાય

નીચે બતાવેલ ઘટનાક્રમથી તમારો આધાર અટકી શકે છે:

  • તમને નિર્વાસિત તરીકે માન્યતા મળે (એટલે કે અસાઇલમ મળી જાય), યા માનવતા-હેતુક સંરક્ષણ મળે યા ડિસ્ક્રેશનરી પરવાનગી મળે તો ઉપરોક્ત કટોકટી કક્ષાના રહેઠાણમાંથી નીકળી અને અન્ય આધાર શોધવા માટે 28 દિવસની મહેતલ મળશે. વન-સ્ટોપ સર્વિસ કે અન્ય કોઇ લોકલ સલાહ એજન્સી તમને સહાય કરશે.
  • અસાઇલમ માટેની તમારી અરજી નકારવામાં આવે તો તમને અપીલ કરવા માટે સમય અપાશે. અપીલ કાર્યવાહી પૂરી થવા ઉપરાંત બીજા 21 દિવસ સુધી તમને આધાર મળવાનું ચાલુ રહેશે.
  • તમને અપાએલ રહેઠાણને તમે છોડી દો યા એને નુકસાન પહોંચાડો, અથવા NASS (એનએએસએસ) માને કે તમારી પાસે નાણાં છે, તો તમને મળતો આધાર અટકાવી દેવાશે.

‘મુશ્કેલ કિસ્સાઓ’

ક્યારેક એવું બની શકે કે તમારી અપીલ નકારવામાં આવે પછી પણ તમારે માટે વતન પાછા ફરવાનું શક્ય ના હોય. તે વિસ્તારમાં કોઇ ઉડાન ન જતી હોય તેથી તમે જઇ જ ના શકો એ કારણથી, અથવા ત્યાં યુદ્ધ ચાલુ હોય અને તમારે હાલપૂરતા ત્યાં જવાનું હોમ ઑફિસને ઇચ્છવાજોગ ન લાગતું હોય એ કારણથી આવું બની શકે છે. આવું બને ત્યારે તમને અમુક સમય માટે રહેવાની છૂટ મળવી જોઇએ, પરંતુ તમારો કેસ સમાપ્ત થઇ ચૂકયો હોય એ કારણથી તમને કોઇ સહારો નહીં મળી શકે. વિકલ્પ રૂપે, તમે NASS પાસેથી ડિસ્ક્રેશનરી મદદ માગી શકો છો. આવી મદદ મેળવવા માટે તમને કદાચ સામાજીક કાર્ય કરવાનું કહેવામાં આવશે.

તમારા પરિવારમાં બાળકો હોય તો લોકલ કાઉન્સિલ પાસેથી મદદ મેળવી શકો છો. પણ જો હોમ ઑફિસને એમ લાગે કે તમને તમારા મુલકમાં પરત મોકલવાની કાર્યવાહીમાં તમે આડાઇ કરો છો –દા. ત. તમારા એલચીખાતામાં તમે પાસપોર્ટ માટે બરાબર અરજી ના કરો – તો આ મદદ કદાચ અટકી જશે. અન્યથા, કોઇ વિશિષ્ટ તબીબી જરૂરિયાત હોય તો જ મદદ મળશે. આવી કોઇ જરૂરિયાત હોય તો ખર્ચ પેટે લોકલ કાઉન્સિલે મદદ કરવી જોઇએ.

હું રાહ જોઇ રહ્યો હોઉં તે દરમ્યાન મારા અધિકારો શું હોય?
અહીં પહોંચતાની સાથે જ અસાઇલમ માગનારામાંથી મોટાભાગના શરણાર્થીઓને અટકાયતમાં લેવાતા નથી, પણ તેને બદલે ટેમ્પરરી પ્રવેશ-પરવાનગી અપાય છે. તમને આવી ટેમ્પરરી પ્રવેશ-પરવાનગી મળી હોય તો:

  • તમને અગાઉથી જણાવવામાં આવ્યું હશે તે દિવસે અને તે સમયે ઇમીગ્રેશન સત્તાવાળાઓ સમક્ષ હાજર થવું પડશે;
  • અમુક ચોક્કસ સરનામે વસવાટ કરવો પડશે; અને
  • રોજગાર નહીં કરી શકો.

એ ઉપરાંત, કદાચ નિયમિત રીતે કોઇ ઇમીગ્રેશન ઑફિસમાં જઇ સહી કરવી પડશે, યા તમારી હાલચાલ ઉપર દેખરેખ રાખે એવા યંત્રોને તાબે થવું પડશે. એક ખાસ ઉપકરણ પહેરવાનું હોય છે જેના થકી હોમ ઑફિસ ચકાસી શકે કે તમે ફલાણે ઠેકાણે છો કે નહીં.

તમારા ટેમ્પરરી પ્રવેશની શરતોનો તમે ભંગ કરો તો તમને અટકાયતમાં લઇ શકાય છે. અને તમને હાજર થવાનું કહેવાયું હોય તે પ્રમાણે તમે હાજર ન થાવ તો તમે ગેરકાનૂની આગંતુક ગણાશો. તમે રહેઠાણ બદલો તો ઇમીગ્રેશન સત્તાવાળાઓને તાત્કાલિક જણાવી દેવું, તમને ‘ડિસ્પર્સ’ કરવામાં આવે તો પણ.

ઇન્ટરવ્યૂ માટે હોમ ઑફિસ એપોઇન્ટમેન્ટ નક્કી કરશે અને તમારા ટેમ્પરરી પ્રવેશ-પરવાનગી ના ફોર્મમાં આપેલ સરનામે તમને નોટિસ મોકલશે. તમે હાજર નહીં થાવ તો ‘અવહેલના’ ગણી હોમ ઑફિસ તમારી અરજીને નકારી કાઢશે. તમને નોટિસ ના મળે અને એ કારણથી તમે તારીખ ચૂકી જાવ તો તમે અપીલ કરવાનો હક્ક ગુમાવશો.

તમને ટેમ્પરરી પ્રવેશ ન મળે તો

તમને આ ટેમ્પરરી પ્રવેશ ના મળે તો તમને અટકાયતમાં લેવાશે, પરંતુ સાત દિવસ પછી તમે જામીન ઉપર છૂટવા માટે અરજી કરી શકો છો. મતલબ કે છૂટકારાની શરતોનો ભંગ થાય તો તમે કોર્ટને અમુક રકમ ચૂકવી શકો એમ હો તો જ તમને અટકાયતમાંથી છૂટકારો અપાશે. યુકેમાં એવી કોઇ એક-બે વ્યક્તિઓને તમે જાણતા હો જે તમારી જામીનગીરી કરી શકે તો સુગમ રહેશે. આ વ્યક્તિઓ (જે ‘શ્યોરેટી’ તરીકે ઓળખાય છે) પાસેથી બાંયધરી લેવાશે કે તમે નિયત કરેલ સમયે હાજર નહીં થાવ તો પૈસા ચૂકવવા પડશે. અટકાયતમાં લેવાયેલ લોકોની સલાહ માટે 'ચેલેન્જીન્ગ લીગલ ડીટેન્શન: અ બેસ્ટ પ્રેક્ટિસ ગાઈડ' નામની એક અલગ પુસ્તિકા છે , જે નીચે બતાવેલ સ્થાનેથી મળી શકે છે:

  • વિઝીટર્સ ગ્રૂપ – આ લોકો અટકાયતમાં રાખેલ લોકોને મળવા આવતા હોય છે અને બહારથી મળી શકતી સેવાઓનો સંપર્ક કરાવી આપે છે; અથવા,
  • બેઇલ ફોર ઇમીગ્રેશન ડિટેઇનીઝ નામની ચૅરિટી સંસ્થા.

જામીનગીરી માટે અન્ય શરતો પણ હોઇ શકે છે, જેમ ટેમ્પરરી પ્રવેશ માટે હોય છે તેમ. તમારે કદાચ નિયમિત પણે પોલિસ સ્ટેશને યા ઇમીગ્રેશન ઑફિસે સહી કરવા જવું પડે. આવી શરતોનો ભંગ થાય તો તમે કાનૂન ભંગ કર્યો લેખાશે અને તમારા જામીનોએ આપેલ વચન મુજબ એમને પૈસા ગુમાવવાનો વખત આવશે.

સરકારી સહાય માટે તમને યોગ્ય પાત્ર ગણાય તો જામીનગીરી માટે અરજી કરવાનો ખર્ચ આવા સરકારી ભંડોળમાંથી આવરી લેવાશે. તમારા વતી અરજી કરવાનું તમારા કાનૂની પ્રતિનિધિને કહો.

તમે આશ્રયની રાહ જોઇ રહ્યા હો તે દરમ્યાન રોજગાર નહીં કરી શકો. આમ છતાં, તમારા કિસ્સામાં નિર્ણય લેવામાં હોમ ઑફિસ 12 મહિનાથી વધારે મોડું કરે તો તમે કામ કરવાની પરવાનગી માગી શકો છો.

અન્ય અધિકારો

શરણાર્થી તરીકે, તમને મફત તબીબી સંભાળ મળી શકે છે,અને આવી મફત સ્વાસ્થ્ય સંભાળ મેળવવા માટે તમે લોકલ ડૉક્ટરને ત્યાં નામ નોંધાવી શકો છો. મોટાભાગના વિસ્તારોમાં અંગ્રેજી ભાષા શીખવા માટે નિ:શુલ્ક વર્ગો ચાલતા હોય છે, અને એ ઉપરાંત તમે અન્ય કેટલાક અભ્યાસક્રમોમાં પણ જોડેઈ શકો છો.

શરણાર્થી તરીકે તમને મળી રહેલ આધાર ઉપરાંત બીજા નાણાં અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ અમુક મુસાફરી ખર્ચ પેટે રાહત મળે ખરી, જેમ કે ઇમીગ્રેશન સત્તાધારીઓને ત્યાં ઇન્ટરવ્યૂમાં જવાનું ભાડુ અને અપીલની સુનાવણી સુધીનું ભાડું. પોલિસમાં કે ઇમીગ્રેશન ઑફિસમાં હાજર થવાનુંહોય તો ભાડા ખર્ચ પેટે મદદ માગી લેવી. જો કે એપોઇન્ટમેન્ટથી પાંચ કે છ દિવસ અગાઉ NASS ને જણાવી દેવું જરૂરી છે, તો જ એ નાણાં મળશે. તમને યુકેના અન્ય ભાગમાં મોકલવામાં આવે તો મુસાફરી ખર્ચ પણ તમને આપવામાં આવશે. ‘વન-સ્ટોપ સર્વિસ’માંથી આ બારામાં મદદ મળી શકશે.

તમને કાનૂની ખર્ચ માટે જાહેર ભંડોળમાંથી મદદ મળતી હોય તો તમારા કાનૂની પ્રતિનિધિ જોડે ઇન્ટરવ્યૂમાં જવાનો ખર્ચ પણ તમને આપવામાં આવશે.

મારા દાવા બાબતમાં હું ક્યાંથી મદદ મેળવી શકું?

કાનૂની પ્રતિનિધિના ખર્ચને તમે પહોંચી વળો એમ ના હો તો નિષ્ણાતનીસલાહ નિ:શુલ્ક મળવી જોઇએ. લીગલ સર્વિસીસ કમિશન સાથે કરારબધ્ધ વકીલો અને સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત એ મળે છે. સલાહ આપવા સમર્થ હોય એવી બે મોટી સંસ્થાઓ છે રેફ્યુજી લીગલ સેન્ટર અને ઇમીગ્રેશન એડવાઇઝરી સર્વિસ.

ઉપરાંત, અન્ય સંસ્થાઓ અને કેટલીક લોકલ એજન્સીઓ – ખાસ તો લૉ સેન્ટર – પણ નિ:શુલ્ક સેવાઓ આપે છે. વન-સ્ટોપ સર્વિસ યા સિટિઝન્સ એડવાઇસબ્યૂરો તમને આ શોધવા સહાય કરી શકશે. જો કે, તુરંત અને તાત્કાલિક સહાય કરી શકે એવો કાનૂની સલાહકાર કદાચ ના પણ મળે.

તમે અટકાયતમાં હો અને આવી કોઇ સંસ્થા સુધી તમે પહોચી શકો નહીં, તો ફોનથી સંપર્ક કરી જુઓ અથવા વિઝીટર્સ ગ્રૂપના સદસ્યને મળો –આ લોકો અટકાયતમાં રાખેલ લોકોને મળવા આવતા હોય છે અને બહારથી મળી શકતી સેવાઓનો સંપર્ક કરાવી આપે છે.

તમારા સલાહકારે નીચેની બાબતો લેખિતવાર તમને જણાવવી જ જોઇએ:

  • આપ કઇ સેવાઓની અપેક્ષા રાખી શકો;
  • તમને મળેલ સલાહ-સેવા અંગે યા સલાહકાર અંગે તમને ચિંતા હોય તો કોને ફરિયાદ કરવી;
  • તમને કોઇ ચાર્જ લાગશે કે કેમ, અને એનો હિસાબ કેવી રીતે થશે; અને
  • સલાહ સેવાની જરૂર પડે ત્યારે કેવી રીતે એનો સંપર્ક કરવો.

વકીલ હોય કે ઑફિસ ઑફ ધ ઇમીગ્રેશન સર્વિસીસ કમિશનર (OISC) માં નોંધણી થયેલ સંસ્થા હોય તે સિવાય કોઇ સંસ્થા અસાઇલમ કેસમાં સલાહ કે સહાય આપે તો તે કાયદાની વિરૂદ્ધ છે. ચાર્જ લઇને કોઇ સલાહ આપતું હોય તો તેણે તમને જણાવવું જ રહ્યું કે સલાહ નિ:શુલ્ક પણ મળી શકે છે.

દુભાષિયાઓની સેવા લેવાનું

ઇમીગ્રેશન સત્તાવાળાઓ એમના કોઇ પણ ઇન્ટરવ્યૂ માટે દુભાષિયો મેળવી આપશે. તમારા કાનૂની પ્રતિનિધિને મળવા જવાનું હોય ત્યારે તેણે પણ તમારે માટે દુભાષિયો રાખવો જોઇએ. દુભાષિયો જે કહેતો હોય તે તમને ના સમજાય તો તરત જ કહી દેવું. પાછળથી ભૂલો સુધારવાનું ખૂબ જ મુશ્કેલ છે. યાદ રખો કે દુભાષિયાનું કામ આપને સંવાદમાં તમને સહાય કરવાનું છે; અને ફક્ત જે કહેવાઇ રહ્યું હોય તેનો અનુવાદ જ એણે કરવો જોઇએ છે અને તમને સલાહ ન આપવી જોઇએ કે તમારા વતીપ્રશ્નોના ઉત્તર ન આપવા જોઇએ. મિત્રો કે પરિવારની મદદ મામૂલી કે સાદામાં સાદી બાબત માટે જ લેવી, અન્યથા નહીં.

વિશેષ સહાય

કોમ્યુનીટી લીગલ સર્વિસ ડાયરેક્ટ

સામાન્ય કાનૂની સમસ્યાઓની શ્રેણી ઉપર જનતાને મફત માહિતી સીધી પૂરી પાડે છે.

0845 345 4 345 પર કૉલ કરો

જો આપને લીગલ એઇડ મળે એમ હોય તો નિષ્ણાત કાનૂની સલાહકાર પાસેથી બેનિફિટ અને ટેક્સ ક્રેડિટ, કરજ, અભ્યાસ, રોજગાર અને આવાસ અંગેની મફત સલાહ પણ મેળવી શકો છો લોકલ કાનૂની સલાહકાર કે વકીલ પણ શોધી શકશો.

વધુ શોધી કાઢવા www.clsdirect.org.uk પર ક્લિક કરો.

એમનેસ્ટી ઇન્ટરનેશનલ

ફોન: ઇંગ્લેન્ડમાં: 020 7033 1500

વેલ્સમાં: 029 2037 5610

www.amnesty.org.uk

ઇમીગ્રેશન લૉ પ્રેક્ટિશનર્સ એસોસીએશન (ILPA)

સહાય ક્યાં મેળવવી એ ઉપર માહિતી માટે, ડાયરેક્ટરી ઑફ મેમ્બર્સ માટે પૂછો કે એમાં જુઓ.

ફોન: 020 7251 8383

www.ilpa.org.uk

ઇમીગ્રેશન એડવાઈઝરી સર્વિસ

www.iasuk.org

ફોન: 020 7967 1200 (હેડ ઑફિસ - વડું મથક)

ઇંગ્લેન્ડ અને વેલ્સ ભરમાં લોકલ સંપર્કની વિગતો માટે વેબસાઇટ ઉપર જુઓ

લૉ સોસાયટી

અસાઇલમ દાવાઓમાં કાનૂની પ્રતિનિધિત્વ કરી શકે એવા વકીલોની વિગતો લૉ સોસાયટી આપને આપી શકે છે.

ફોન: 0870 606 6575

www.solicitors-online.com

નેશનલ અસાઈલમ સપોર્ટ સર્વિસ

ફ્રૅન્ક કોરીગાન, 27 Old Gloucester Streer, Bloomsbury, London, WC1N 3XX

www.asylumsupport.info

ઑફિસ ઑફ ધ ઇમીગ્રેશન સર્વિસીસ કમિશનર(OISC)

ફોન: 0845 000 0046

www.oisc.org.uk

રેફ્યુજી લીગલ સેન્ટર

ફોન: 020 7780 3200

www.refugee-legal-centre.org.uk

‘લીગલ એડવાઇસ ફોર પીપલ હુ આર ડીટેઇન્ડ બાય ધી ઇમીગ્રેશન સર્વિસ’ – એટલે કે ‘ઇમીગ્રેશન ખાતાંએ અટકાયતમાં રાખેલ હોય તેવા લોકો માટે કાનૂની સલાહ’ – નામની એક અન્ય પત્રિકા લૉ સોસાયટી, લૉ સાસાયટી ઑફ સ્કોટલેન્ડ, OISC, CLS અને ILPA દ્વારા તૈયાર કરવામાં આવી છે, અને આમાંની કોઇપણ સંસ્થા મારફત એ મળી શકશે.

લૉ પ્રેક્ટિશનર્સ એસોસીએશન તથા ઇમીગ્રેશન કાનૂનમાં નિષ્ણાત બેરીસ્ટર અને વકીલ માઈક ચેટવિનના સહયોગમાં આ પત્રિકા લખાયેલ છે.

This document was provided by Community Legal Service Direct, April 2006, www.clsdirect.org.uk