મારી લૈંગિકતાને લીધે મને નિર્વાસિત તરીકે પાત્રતા મળી શકે કે કેમ?
Is it possible to qualify as a refugee on the grounds of my sexual orientation?
'નિર્વાસિત'એટલેશું? 'અસાઇલમ' એટલેશું?
તમે યુકેમાં હો અને તમારા મૂળ વતનમાં પાછા ફરશો તો ત્યાં જુલમનો સામનો કરવો પડશે એવી બીક હોય તો તમને કદાચ 'નિર્વાસિત' ગણવામાં આવશે. યુકેમાં નિર્વાસિત તરીકેનો દરજ્જો તમને મળે તો પાંચ વર્ષ સુધી યુકેમાં રહેવાની પરવાનગી મળશે. પાંચ વર્ષ પછી પણ તમને યુકે તરફથી સંરક્ષણની જરૂર રહે તો યુકેમાં કાયમી વસવાટ મંજૂર કરવામાં આવશે.
નિર્વાસિત તરીકે માન્યતા મેળવવી હોય તો તમારે વહીવટીતંત્રને ગળે ઉતારવું પડશે કે નિર્વાસિતોના દરજ્જાને લગતા સંયુક્ત રાષ્ટ્રસંઘના કન્વેન્શન હેઠળ 'નિર્વાસિત' ની જે વ્યાખ્યા છે તે તમને લાગુ પડે છે. એ વ્યાખ્યા મુજબ, તમારે બતાવવું પડશે કે તમે જ્યાંના નાગરિક છો તે દેશ યા તમે જ્યાં પહેલા વસવાટ કરતા હતા તે દેશમાં “જાતિ/વર્ણ, ધર્મ, નાગરિકતા, અમુક સામાજિક સમુદાયના સભ્યપદ, યા રાજનૈતિક વિચારધારાને લીધે, તમારા પર જુલમ થવાનો સકારણ ભય” તમે ધરાવો છો.
માન્ય નિર્વાસિતને અપાતું સંરક્ષણ 'અસાઇલમ' તરીકે ઓળખાય છે. અસાઇલમનો મતલબ છે કે આવા જુલમનો જ્યાં સામનો કરવો પડે એમ હોય તેવા કોઇ દેશમાં તમને ન મોકલવાની યુકે બાંયધરી આપે છે.
શું એ શક્ય છે કે મારી લૈંગિકતાને લીધે મારે જે જુલમનો સામનો કરવો પડશે તેને લીધે મને નિર્વાસિત તરીકે યોગ્ય ગણવામાં આવે?
લાંબા સમય સુધી હોમ ઑફિસનું વલણ એમ રહ્યું છે કે લૈંગિકતાને કારણો પોતાના વતનમાં જુલમનો સામનો કરવો પડે એવા સમલૈંગિક પુરુષો અને સ્ત્રીઓ ('ગે' પુરુષો અને લેસ્બિયન સ્ત્રીઓ) ને નિર્વાસિત તરીકે માન્યતા આપવામાં આનાકાની કરવી. માર્ચ 1999 માં હાઉસ ઑફ લોર્ડસમાં એક સુખદ નિર્ણય લેવાયો કે પોતાના વતનમાં જુલમનો સામનો કરવો પડે એમ હોય તેવા 'ગે' પુરુષો અને લેસ્બિયન સ્ત્રીઓ એક 'સામાજિક સમુદાય' બની રહે છે જેની 'અસાઇલમ' માટેની અરજી સ્વીકારવી જોઇએ. હોમ ઓફિસે હવે સ્વીકાર્યું છે કે 'ગે' અથવા લેસ્બિયન હોવાને કારણે જુલમ થવાનો સકારણ ભય હોય એ લોકો અસાઇલમ માટે યોગ્ય ગણી શકાય છે.
હાઉસ ઑફ લોર્ડસના આ નિર્ણયનો બીજો અર્થ એ પણ થાય છે કે કોઇ વ્યક્તિ એચઆઇવી પોઝિટીવ (HIV Positive) હોય અને એના સ્વાસ્થ્યને લીધે એને જુલમનો સામનો કરવો પડે એમ હોય તો એ પણ નિર્વાસિત તરીકે કદાચ માન્ય ગણાશે.
મારી લૈંગિકતાને લીધે મને નિર્વાસિત તરીકે પાત્રતા મળવી જોઇએ એ બતાવવા મારે શું કરવું જોઇએ?
તમારે એ બતાવવું જોઇશે કે તમને વતન પાછા મોકલવામાં આવે તો 'ગે' પુરુષ કે લેસ્બિયન સ્ત્રી હોવાને કારણે તમને ગંભીર હાનિ પહોંચે એવો પૂરો સંભવ છે. આ ગંભીર હાનિ પહોંચાડનાર સરકારી વહીવટીતંત્રો હોઇ શકે યા જનતાના અન્ય વિભાગો હોઇ શકે અને તેનાથી તમને સંરક્ષણ આપવા સરકાર અસમર્થ હોય યા સંરક્ષણ આપવાની એની ઇચ્છા જ ન હોય.
ગંભીર હાનિ એટલે - ન્યાયપ્રક્રિયા વગર મૃત્યુદંડ, શારીરિક હિંસા, ત્રાસ અને સ્વાતંત્ર્યનો લોપ. અતિ ગંભીર ભેદભાવ પણ એમાં આવી જાય છે. પરસ્પર સંમતિથી કરાતી સમલૈંગિક મૈથુનક્રીડાને ફોજદારી ગુનો ગણવો એ પણ કનડગત જ લેખાય.
તમારે સ્પષ્ટ કરવું પડશે કે કેવી હાનિનો ભય છે અને એ પણ બતાવવું પડશે કે તમારો ભય સકારણ છે. મતલબ કે પુરાવા-સાબિતી સાથે તમારો કેસ બને એટલો મજબૂત કરવો. કોઇક દેશોમાં 'ગે' પુરુષો અને લેસ્બિયન સ્ત્રીઓને કનડગતનું જોખમ છે કે કેમ તે બારામાં ઇમિગ્રેશન કોર્ટ તરફથી અમુક કેસમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તમારા વતનમાં સંજોગો બદલાતા તમારા ઉપર રહેલ જોખમમાં પણ ફેરફાર થશે.
અસાઇલમ માટે અરજી કરવાનું નક્કી કરો ત્યારે એ હકીકતને ધ્યાનમાં રાખવી કે અસાઇલમની મોટા ભાગની અરજીઓને નકારી કાઢવામાં આવે છે. કેસ નકારવાના કારણોમાં મુખ્ય કારણ એ છે કે અરજદારની વાતને માનવામાં નથી આવતી યા તો હોમ ઑફિસનું ધારવું હોય છે કે ભય રાખવાનું કોઇ કારણ નથી (અથવા જેનો ભય છે તેમાં એટલી ગંભીરતા નથી કે એને કનડગત ગણાય). યુકેમાં રહી જવા માટે આ કોઇ સરળ માર્ગ નથી અને જુલમ/કનડગતનો ખરેખરો ભય ના હોય તો અસાઇલમની અરજી ના કરવી.
અસાઇલમ માટે મારે કેવી રીતે અરજી કરવી?
તમે અગાઉથી જ યુકેમાં હો તો અસાઇલમ સ્ક્રીનીંગ યુનિટ (અસાઇલમ માટે પરીક્ષણ કરનાર એકમ) માં હાજર થઈ હોમ ઑફિસમાં અરજી કરી શકો છો. આવા એકમ યુકેમાં જુદી જગાઓમાં આવેલા છે. મુખ્ય કેન્દ્ર ક્રોયડનમાં છે. અરજી કરતા પહેલા, મદદ માટે, અસાઇલમ કાનૂનના નિષ્ણાત એવા વકીલનો સંપર્ક કરવો એ ખૂબ અગત્યનું છે, જેથી અરજી બાદની પ્રક્રિયાને ઘણો વેગ મળશે. અરજી કરો ત્યાર બાદ તરત, કનડગત અંગેના તમારા ડર વિશે ઊંડાણપૂર્વક ઇન્ટરવ્યૂ લેવાશે, અથવા તમને એક પ્રશ્નાવલિ આપવામાં આવશે જે સત્વરે ભરવાની હોય છે. કદાચ તમને અટકાયતમાં લઈ ઇમિગ્રેશન રિમુવલ સેન્ટર (આગંતુકોને દેશનિકાલ કરતા પૂર્વે રાખવાની જગા) માં મોકલવામાં આવશે જ્યાં તમારી અરજીનો ઝડપભેર નિકાલ કરવામાં આવશે - મતલબ કે ગણતરીના દિવસોમાં જ નિર્ણય લેવાશે. માટે, અગાઉથી સલાહ લેવી આવશ્યક છે.
તમે યુકેની બહાર હો તો કોઈ પણ મથકે પહોંચતાની સાથે અસાઇલમ માટે અરજી કરી શકો છો.
અસાઇલમની અરજીને સફળતા મળે એ માટે મારે કઇ માહિતી રજૂ કરવી પડશે?
કનડગતનો ભય શા માટે છે તે અંગે વિગતવાર નિવેદન આપવું પડશે. ભૂતકાળમાં ભોગવેલ કનડગતની વિગતો આપવી પડશે. ભૂતકાળમાં તમે કનડગત ના ભોગવી હોય તો તમારે બતાવવું પડશે કે તમે શાથી એમ માનો છો કે ભવિષ્યમાં કનડગત ભોગવવી પડશે. તમે જેનું વર્ણન આપો છો તેવી કનડગત તમારા વતનમાં ખરેખર થઈ રહી હોય એ દર્શાવતી તટસ્થ માહિતી તમે માનવ-અધિકારને લગતી સંસ્થાઓ પાસેથી, સમાચાર-માધ્યમોમાંથી યા અન્ય જગાએથી મેળવી શકો એવી તમારી પરિસ્થિતિ હોવી જોઇએ. તમારો વકીલ હોય તો એ તમને આવી માહિતી મેળવવા સહાય કરી શકશે.
દુનિયાના દરેક દેશમાં શું થઈ રહ્યું છે તે અંગેની માહિતી હોમ ઑફિસને ઉપલબ્ધ હોય છે. તમારો ડર સકારણ છે કે કેમ એ વિશે તેનો પોતાનો દૃષ્ટિકાણ હશે. કનડગતનો તમારો ભય સાચો છે અને તમારા જેવી પરિસ્થિતિમાં અન્ય 'ગે' પુરુષો અને લેસ્બિયન સ્ત્રીઓને કનડગત થઈ છે એ સાબિત કરવા તમે પુરાવા રજૂ કરી શકશો તો તમારા કેસમાં સહાયભૂત રહેશે.
હું અસાઇલમ માટે અરજી કરતો હોઉં તો શું મારે વકીલની સલાહ લેવી જોઇએ?
હા, અવશ્ય. તમારા કેસની રજૂઆત બરાબર કરવા માટે ઘણું આવશ્યક છે કે કોઇ એવા વકીલની સલાહ લેવી જે અસાઇલમને લગતા કાયદાનો ખાસ નિષ્ણાત હોય અને જેણે 'ગે' તથા લેસ્બિયન શરણાર્થીઓનું ભૂતકાળમાં પ્રતિનિધિત્વ કરેલું હોય. રાજ્યાશ્રય માટે અરજી કરો તો, બની શકે તો એ અરજી કરતા અગાઉ જ વકીલની સલાહ લઈ લેવી. અસાઇલમને લગતો કાનૂન જટિલ છે અને તાજેતરમાં જે કાયદાઓ ઘડાયા છે તેથી આવશ્યક બને છે કે પ્રક્રિયાની શરૂઆતથી જ સલાહ લઈ લેવી.
મારી અરજી ઉપર નિર્ણય લેવાય ત્યાં સુધી યુનાઇટેડ કિંગ્ડમમાં મારો શું દરજ્જો રહે?
અરજી કરો ત્યારે જે દરજ્જો હોય તેના પર આ પ્રશ્નના જવાબનો આધાર છે, અને સલાહ માટે તમારા વકીલ ઉત્તમ રહેશે. અસાઇલમ માટેની તમારી અપીલ ઉપર જ્યાં સુધી નિર્ણય ન લેવાય અને વધારે અપીલ કરવાનો કોઇ અધિકાર બાકી રહેતો હોય ત્યાં સુધી તમને યુકેમાંથી હાંકી કાઢવામાં નહીં આવે.
મનેરહેઠાણકેઆર્થિકસહાયમળશે?
નિરાધાર હોય તેવા અરજદારોને નેશનલ અસાઇલમ સપોર્ટ સર્વિસ તરફથી ખોરાક અને આવાસ પેટે કદાચ થોડી સહાયતા માટે યોગ્ય ગણવામાં આવે. સામાન્ય રીતે મળતા બેનિફિટ તેમ જ નોકરીધંધા અરજદારોને મોટે ભાગે સુલભ નથી હોતા.
મારી અરજી નામંજૂર થાય તો શું થશે?
ઇમિગ્રેશન જજ હોમ ઑફિસ હેઠળ ન આવતા હોય તેવા સ્વાયત્ત જજ હોય છે, અને તેને તમે અપીલ કરી શકો છો. સફળ થનાર ઘણા કેસ અહીં જ ઉકેલવામાં આવે છે. સામાન્યતઃ એક સુનાવણી થશે જેમાં તમારે પુરાવા આપવાના હશે. ઇમિગ્રેશન જજ તમારી અપીલને ફગાવી દે તો તમે એ નિર્ણયની ફેરવિચારણા માટે હાઇ કોર્ટમાં ધા નાખી શકો છો, અને એમ લાગે કે જજે કાયદાવિરૂદ્ધ કામ કર્યું છે તો હાઇ કોર્ટ કદાચ આદેશ આપશે કે બીજા કોઈ જજ તમારી અપીલ ઉપર ફેરવિચારણા કરે.
જો કે, અપીલ કરવાનો અધિકાર તમને કદાચ ના પણ મળે. અમુક એવા ‘નિશ્ચિત રાષ્ટ્રો‘ છે જેને હોમ ઑફિસ સલામત અને સુરક્ષામય ગણે છે, અને આવા દેશોમાંથી કોઇ અસાઇલમની અરજી કરે તો તે અરજીને કદાચ ''સાવ પાયા વગરની'' ગણવામાં આવશે. અરજીને આ પ્રમાણે ગણવામાં આવે તો અસાઇલમના ઇનકાર સામે યુનાઇટેડ કિંગ્ડમમાં અપીલ કરવાનો કોઇ અધિકાર નથી હોતો. શરૂઆતથી જ નિષ્ણાતની સલાહ લેવાની જરૂર પર આ બાબત ભાર મુકે છે.
હોમ ઑફિસ કોઇકને નિર્વાસિત તરીકે ના સ્વીકારે તો પણ ક્યારેક એવું બની શકે છે કે યુનાઇડેટ કિંગ્ડમમાં રહેવા માટે એ વ્યક્તિને 'માનવતા' યા 'મુનસફી' ના આધારે પરવાનગી આપવામાં આવે. આવું જવલ્લે જ બને છે પણ બ્રિટિશ નાગરિક (યા યુકેમાં વસવાટનો હક્ક ધરાવનાર) સાથે તમારે સંબંધ હોય અને એવા અસામાન્ય સંજોગો ઊભા થાય કે તમારા વતનમાં જઇને અવિવાહિત યા રજીસ્ટર થયેલ જીવનસાથી તરીકેના વિઝા માટે અરજી કરવાનું અશક્ય બને, તો એ કદાચ ઉચિત ગણાશે.
મારી અરજી સફળ થાય તો શું થશે?
તમને પાંચ વર્ષ માટે રહેવાની પરવાનગી મળશે. નિર્વાસિતોને મુસાફરી માટેના સંયુક્ત રાષ્ટ્રસંઘના દસ્તાવેજ માટે તમે અરજી કરી શકશો અને યુકેના નાગરિકની જેમ તમે કામધંધો તથા અભ્યાસ કરી શકશો અને યુકેમાં મળતા બેનિફિટ મેળવવાને પાત્ર ગણાશો. પાંચ વર્ષની મુદત પછી તમને કાયમી વસવાટની પરવાનગી આપવામાં આવે તો સમય જતા તમે બ્રિટિશ નાગરિકતા માટે પણ અરજી કરી શકશો. વસવાટની પરવાનગી ત્યારે જ મળે જો તમને કનડગતનું જોખમ હજી પણ હોય.
પ્રકાશનો અને જોડાણો/અનુસંધાન
UKLGIG submission to Home Affairs Committee - December 2005 (ગૃહ બાબતોની સમિતિમાં યુકે એલ જી આઇજી તરફથી રજૂઆત ડિસેમ્બર 2005)
"How to get good asylum advice" ("અસાઇલમ બારામાં સારી સલાહ કેવી રીતે મેળવવી'') - એડવાઇસનાઉ તરફથી ઘણી માહિતીસભર માર્ગદર્શિકા. શરણાર્થીઓ માટે મહત્વપૂર્ણ અને ભલામણપાત્ર વાંચન.
Navigation Guide: Lesbian, Gay, Bisexual and Transgender (LGBT) Refugees and Asylum Seekers (દિશા-સૂચક માર્ગદર્શિકા: લેસ્બિયન, 'ગે' દ્વિલિંગી તથા લિંગપરિવર્તિત (LGBT) નિર્વાસિતો અને શરણાર્થીઓ) - લેખક અનિસા ડે‘ યોન્ગ, જે યુકેમાંની મુસ્લીમ LBT સ્ત્રીઓના લાભાર્થે સંસાધનોના આયોજન માટેના સાફરા પ્રોજેક્ટના માજી સંકલનકાર તથા LGBT ના અધિકાર, લિંગ/જાતિ અને નિર્વાસિતોને સ્પર્શતા મુદ્દાઓ ઉપર ફ્રીલાન્સ સંશોધક છે.
Details of entitlement to NHS treatment - January 2005 (એનએચએસ હેઠળ સારવાર મેળવવાની પાત્રતા વિશે વિગતો – જાન્યુઆરી 2005)
Asylum Policy Instructions (અસલાઇમ નિતીના આદેશ) - હોમ ઑફિસના નિતી નિયમોના આદેશની વિગત, જેમાં છઠ્ઠી કલમ 'કૂલેઇમની આકારણી' હેઠળનો ફકરો 8.7 'કોઇ ખાસ સમુદાયનું સભ્યપદ' (હાઉસ ઑફ લોર્ડસમાં 1999 માં શાહ વિ. ઇસલામ કેસનું પરિણામ) આવી જાય છે.
ICAR (આઇસીએઆર) - યુકેમાં અસાઇલમ અને નિર્વાસિતો અંગેનું માહિતી કેન્દ્ર
મર્યાદાસૂચક નિવેદન
યુકે લેસ્બિયન એન્ડ ગે ઇમિગ્રેશન ગ્રૂપે આ માહિતીનો અનુવાદ નથી કર્યો અને એમાં જોઇતા સુધારા-વધારા માટે એ જવાબદાર નથી. એ કારણથી, યુકે લેસ્બિયન એન્ડ ગે ઇમિગ્રેશન ગ્રૂપ આ બેવસાઇટના પાનામાં રહેલી માહિતીની ચોકસાઇ વિશે કોઇ બાંયધરી નથી આપતું, અને, આ વેબસાઇટના પાનામાં રહેલ માહિતીનો ઉપયોગ કરવાથી કે એના ઉપર આધાર રાખવાથી કોઇ ત્રીજા પક્ષને, દુનિયાના કોઇ પણ ભાગમાં, ઇજા, હાનિ, નુકસાન, સીધો યા આડકતશે ઘાટો, પરિણામરૂપ યા આર્થિક ખોટ, યા અન્ય કોઇ ખોટ થાય તો વળતર બાબત આ ગ્રૂપ કાયદામાં રહીને મહત્તમ હદ સુધી વિરોધ કરશે.
ઇમિગ્રેશન બાબતોમાં છેલ્લામાં છેલ્લી માહિતી અમારી વેબસાઇટ www.uklgig.org.uk પરથી મળી શકશે.
આ મર્યાદાસૂચક નિવેદનનું અર્થઘટન ઇંગલેન્ડના કાયદા હેઠળ કરવાનું છે.
સબાસ્ટિયન રોક્કા, કાર્યકારી નિર્દેશક
This document was provided by UK Lesbian & Gay Immigration Group, Aug 2007, www.uklgig.org.uk