ગોનોરરીઆ (પરમો), ક્લેમીડીઆ અને સિફિલિસ (ચાંદી)ના લક્ષણો, સારવાર અને હકીકતો
Gonorrhoea, Chlamydia and Syphilis Symptoms, treatment and facts
આ પાના ઉપરની મોટાભાગની માહિતી વૈશ્વિકપણે લાગુ પડી શકે છે, અને કોઇ ખાસ દેશ માટે જ હોય એવું નથી. આમ છતાં, બની શકે છે કે કેટલાક વિભાગો, જેમ કે 'મદદ માટે ક્યાં જવું', 'ઉપચાર' તથા 'પરીક્ષણ' ખાસ UK માં જ લાગુ પડતા હોય.
ગોનોરીઆ (પરમો)
ગોનોરીઆ બેક્ટીરીઅલ ચેપ છે. તે સહવાસથી ફેલાય છે અને યોનિ માર્ગ, મૂત્રનળી, ગુદામાર્ગ, ગુદા અને ગળાને અસર કરી શકે છે.
ચિહ્નો અને લક્ષણો
ચેપ લાગ્યા પછીના 1 થી 14 દિવસની વચ્ચે કોઇપણ સમયે એના લક્ષણો દેખાય. શક્ય છે કે ગોનોરીઆનો ચેપ લાગ્યો હોય પણ લક્ષણો ન દેખાય. સ્ત્રીઓ કરતાં પુરૂષોને લક્ષણો દેખાવાની શક્યતા વધારે છે.
સ્ત્રીઓ
ગોનોરીઆના લક્ષણો:
- યોનિ સ્રાવમાં બદલાવ. તે વધી જાય, પીળો કે લીલાશ પડતા રંગનો થઇ જાય અને તીવ્ર વાસ મારે
- પેશાબ કરતી વખતે દુઃખાવો કે બળતરા અનુભવાય
- ગુદામાં ખંજવાળ અને/ અથવા સ્રાવ.
પુરૂષો
લક્ષણોઃ
- શિશ્નમાંથી પીળો કે સફેદ સ્રાવ
- ગુદામાં ખંજવાળ અને/ અથવા સ્રાવ
- વૃષણમાં અને પ્રોસ્ટેટ ગ્રંથીમાં બળતરા.
ગોનોરીઆ કઈ રીતે પ્રસરે છે
- ભેદક સંભોગ દ્વારા (શિશ્ન જ્યારે યોનિ, મોં, કે ગુદામાં પ્રવેશે છે),
અને ઓછા પ્રમાણમાં નીચે બતાવેલ કારણોથી:
- 'રિમ્મીંગ' નામની પ્રક્રિયા (જેમાં વ્યક્તિ પોતાના મોં અને જીભ વડે અન્ય વ્યક્તિની ગુદાને ઉત્તેજીત કરે)
- ચેપયુક્ત યોનિ, ગુદા અથવા મોંમાં તમારી આંગળીને દાખલ કરી પછી હાથ ધોયા વગર એને તમારા પોતાના એવા અંગમાં મુકવાથી.
મદદ માટે ક્યાં જવું
- તમારા સ્થાનિક એનએચએસ (NHS) જાતીય સ્વાસ્થ્ય (GUM) ચિકિત્સાલય.
UKમાં, તમારા નજીકના NHSજાતીય સ્વાસ્થ્ય ચિકિત્સાલયની વિગતો તમે ફોન બુકમાં જેનીટો-યુરીનરી મેડીસીન (GUM),સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડીસીઝીસ (STD)અથવા વેનેરીઅલ ડીસીઝીસ (VD)હેઠળ મેળવી શકશો. અથવા તમારી સ્થાનિક હોસ્પિટલને ફોન કરો અને 'સ્પેશિયલ' અથવા GUMચિકિત્સાલય માટે પૂછો. તમારી નજીકની ક્લિનિક ક્યાં હશે તે બતાવતી વેબસાઇટ અમારા હેલ્થ એન્ડ એડવાઇસ પાના થકી મળી રહેશે.
તમે મફત, ખાનગી સલાહ અને સારવાર પ્રાપ્ત કરશો. દેશમાં ક્યાંય પણ કોઇપણ ક્લિનિકમાં તમે જઇ શકશો - તમારે સ્થાનિકમાં જ જવું પડશે એવું નથી - અને તમારા GP ની ભલામણ લેવી જ જોઇએ એવું પણ નથી. (NHS સંચાલિત જાતીય સ્વાસ્થ્ય ક્લિનિકમાં જે સેવાઓ મળી શકે તે બધી અન્ય ક્લિનિકમાં કદાચ ના પણ મળે.)
- તમારા પોતાના GP.
- UKમાં તમને www.playingsafely.co.uk પર STI ક્લિનિકની વિગતો મળી રહેશે.
- તમે USA માં હો તો, http://herpes-coldsores.com/support/std_clinic_us.htm પર જુઓ, આ સાઇટ પરથી ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, પ્યુએર્ટો રીકો અને ભારતના STD ક્લિનિકની વિગતો પણ શોધી શકશો.
ગોનોરીઆ માટેના પરીક્ષણો
- ડૉક્ટર અથવા નર્સ દ્વારા તમારા ગુપ્તાંગ વિસ્તારની તપાસ.
- ચેપ-ગ્રસ્ત હોય તેવા યોનિમાર્ગ, મૂત્રનળી, ગુદા અથવા ગળામાંથી રૂના પૂમડા વડે યા એવી વાદળી વડે (રસ વગેરેના) નમૂના લેવાય છે.
- સ્ત્રીઓમાં પેડુ વિસ્તારની આંતરિક તપાસ.
- પેશાબનો નમૂનો લેવાશે.
આમાંનું કોઇપણ પરીક્ષણ પીડાયુક્ત નથી, પરંતુ ક્યારેક અસ્વસ્થ કરી દે છે.
તમે ગુદા મૈથુન કરેલ હોય તો, તે ચિકિત્સકને કહેવાનું મહત્વનું છે. જેથી એ તમારા મળાશયમાંથી (રસ વગેરેનો) નમૂનો લઈ શકે. અને મુખ મૈથુન કરેલ હોય તો પણ ચિકિત્સકને કહો.
જેવું તમને લાગે કે તમે ગોનોરીઆના સંપર્કમાં આવ્યા હશો કે તરત જ તમે પરીક્ષણ કરાવી શકો છો.
નિદાન અને સારવાર
ગોનોરીઆના ચેપની તપાસ દરમ્યાન લેવાયેલ નમૂનાને માઈક્રોસ્કોપ હેઠળ જોવાય છે. કેટલાક ચિકિત્સાલયોમાં, પરિણામ તરત જ ઉપલબ્ધ હોય છે. બીજો નમૂનો પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલાય છે, જેનું પરિણામ એક સપ્તાહમાં સામાન્ય રીતે ઉપલબ્ધ થાય છે. સારવાર સરળ અને આવશ્યક છે. તમને ગોળીઓ, પ્રવાહી અથવા ઈન્જેક્શનના રૂપમાં એન્ટીબાયોટીક્સ અપાશે.
તમને કોઇ એન્ટીબાયોટીક્સ માફક ન આવતા હોય (એલરજી હોય), યા સગર્ભા હોવાની કોઇ પણ શક્યતા હોય તો, તમારા ચિકિત્સકને જણાવવું તે અગત્યનું છે. તમારી સારવારનો આખો કોર્સ પુરો કરવાનું મહત્વપૂર્ણ છે.
તમને કહેવામાં આવે કે તમને ગોનોરીઆ છે તો હેલ્થ એડવાઇઝરને મળવાનું તમને કહેવામાં આવશે જે તમને ચેપ વિષે સમજાવશે અને તમારા સવાલોના જવાબ આપશે. સ્વાસ્થ્ય સલાહકાર તમને તમારા સહસંભોગી(ઓ) વિશે પૂછશે. જેથી તેઓ તપાસ કરાવી શકે અને આવશ્યક હોય તો સારવાર મેળવી શકે.
જ્યાં સુધી તમે ચિકિત્સાલયમાં પરત ન આવો અને ચિકિત્સક દ્વારા બધું બરાબર ન કહેવાય ત્યાં સુધી તમારે ભેદક સંભોગ ના કરવો જોઇએ. કઈ મૈથુન પ્રક્રિયા સલામત છે તે તમને ચિકિત્સક અથવા સ્વાસ્થ્ય સલાહકાર જણાવશે.
પછીના પગલાં
ગોનોરીઆ માટેની સારવાનો કોર્સ એકવાર તમે પુરો કરી લો ત્યારે, તમારે ચિકિત્સાલય કે GP પાસે તપાસ કરાવવા પરત જવું જોઇએ.
અમુક પ્રકારના ગોનોરીઆ અમુક પ્રકારના એન્ટીબાયોટીક્સની સામે ટક્કર ઝીલી શકે છે, ખાસ કરીને જો એ રોગ તમને વિદેશમાંથી ક્યાંય થયો હોય તો. ચેપ નાબૂદ થઇ ગયો છે તેની ખાતરી કરવા બીજાં પરીક્ષણો કરાશે. જો નાબૂદ ન થયો હોય તો તમને બીજી એન્ટીબાયોટીક આપવામાં આવશે.
જટીલતાઓ
સ્ત્રીઓ
જો સારવાર ન લેવાય તો ગોનોરીઆમાંથી પેલ્વિક ઇનફ્લેમેટરી ડીસીઝ (PID)થવાની શક્યતા રહે છે. આ ફેલોપિયન ટ્યૂબની બળતરા છે, જે તાવ, પેડુના નીચલા ભાગ અને પીઠના દુઃખાવાનું કારણ બને છે. મૈથુન અસહજ બને. PID –ગ્રસ્ત સ્ત્રીને વંધ્યત્વ આવી જાય યા એક્ટોપિક ગર્ભાવસ્થા ધરાવે. PID વિષે અલગ માહિતીપત્રિકા ઉપલબ્ધ છે.
તમે સગર્ભા હોવ અને જ્યારે તમારા બાળકનો જન્મ થાય ત્યારે તમને ગોનોરીઆ હોય તો શક્ય છે કે ચેપ પ્રસરે. તમારૂં બાળક ગોનોક્કોકલ આઇ ઈન્ફેક્શન (આંખના ચેપ) સાથે પણ જન્મી શકે. આની સારવાર એન્ટીબાયોટીક્સ વડે કરવી જોઇએ કેમ કે તે અંધત્વનું કારણ બની શકે છે. પરંતુ તમારા માટે એ જ સારૂં છે કે પ્રસૂતિ અગાઉ જ સારવાર થાય.
પુરૂષો
ગોનોરીઆ વૃષણ અને પ્રોસ્ટેટ ગ્રંથીની બળતરાનું કારણ બની શકે, જે દુઃખાવાનું કારણ બને. સારવાર ન થાય તો મૂત્રનળી સાંકડી બને કે પરૂવાળા ગૂમડાં વિકસી શકે.
ગોનોરીઆ એક વાર સફળતાપૂર્વક ઉપચાર પામે, તો તે પાછુ આવશે નહીં સિવાય કે તમને ફરીથી ચેપ લાગે.
યાદ રાખો, સારવાર થયા પછી, સંભોગ દરમ્યાન કોન્ડોમનો ઉપયોગ કરવો જેથી મૈથુન દ્વારા થતા ચેપો પ્રસરવાનું જોખમ ઓછું રહે.
ક્લેમીડીઆ
સંભોગથી ફેલાતા પણ જેનો ઉપચાર થઇ શકતો હોય તેવા ચેપોમાં ક્લેમીડીઆ સર્વાધિક સામાન્ય છે. જો તેની સારવાર ન કરાય તો જીવનમાં પાછળથી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે ('જટિલતાઓ' વિભાગ જુઓ). ક્લેમીડીઆ સ્ત્રીઓમાં યોનિમાર્ગમાં ચેપ લગાડે છે. મૂત્રનળી, ગુદામાર્ગ અને આંખો સ્ત્રી-પુરુષ બન્નેમાં ચેપ પામી શકે. પ્રસંગોપાત ક્લેમીડીઆ શરીરના અન્ય ભાગોમાં વસે છે જેમ કે ગળું, ફેફસાં અને યકૃત.
ચિહ્નો અને લક્ષણો
ચેપના લક્ષણો કોઇ પણ સમયે દેખા દે છે. ઘણી વાર તો ચેપ લાગ્યા પછીના 1 થી 3 સપ્તાહની વચ્ચે હોય છે. જો કે, લક્ષણો દેખાવામાં ક્યારેક ઘણો લાંબો સમય પણ લાગી જાય છે. ક્લેમીડીઆ-ગ્રસ્ત મોટાભાગની સ્ત્રીઓને લક્ષણો બિલકુલ ના પણ દેખાય. શક્ય છે કે નીચે મુજબ લક્ષણો હોય:
- યોનિ સ્રાવમાં થોડો વધારો - યોનિ માર્ગમાં બળતરા થવાથી
- વારંવાર પેશાબની હાજત થાય/પેશાબ કરતી વખતે દુઃખાવો થાય
- પેડુના નીચેના ભાગમાં દુઃખાવો.
- સંભોગ દરમ્યાન દુઃખાવો
- માસિક સ્રાવમાં અનિયમિતતા
- આંખોમાં (જો ચેપ લાગેલા હોય તો) દુઃખાવા વાળો સોજો અને ખંજવાળ
પુરૂષો
ચેપના લક્ષણો કોઇ પણ સમયે દેખા દે છે. ઘણી વાર તો ચેપ લાગ્યા પછીના 1 થી 3 સપ્તાહની વચ્ચે હોય છે. જો કે, લક્ષણો દેખાવામાં ક્યારેક ઘણો લાંબો સમય પણ લાગી જાય છે. સ્ત્રીઓ કરતાં પુરુષોને લક્ષણો દેખાવાની શક્યતા વધારે છે. કદાચ લક્ષણો બિલકુલ ના પણ દેખાય. શક્ય છે કે નીચે મુજબ લક્ષણો હોય:
- શિશ્નમાંથી સ્રાવ જે સફેદ/વાદળીયો અને પ્રવાહી હોય અને અંતર્વસ્ત્રો પર ડાઘ પાડે.
- પેશાબ કરતી વખતે દુઃખાવો અને/અથવા બળતરા
- આંખોમાં (જો ચેપ લાગ્યો હોય તો) દુઃખાવાયુક્ત સોજો અને ખંજવાળ. ગુદામાર્ગમાં ક્લેમીડીઆ હોય તો ભાગ્યેજ લક્ષણો દેખાય.
ક્લેમીડીઆ કઈ રીતે પ્રસરે છે
નીચે બતાવેલ કારણોથી ક્લેમીડીઆનો ફેલાવો થઇ શકે છેઃ
- કોઇક ચેપ ગ્રસ્ત હોય એવી વ્યક્તિ સાથે સંભોગ
- માતા દ્વારા પ્રસૂતિ સમયે તેના બાળકને
- ક્યારેક, જનનેન્દ્રિયમાંના ચેપ વાળી આંગળી આંખોમાં લાગવાથી.
મદદ માટે ક્યાં જવું
- તમારા સ્થાનિક એનએચએસ (NHS) જાતીય સ્વાસ્થ્ય (GUM) ચિકિત્સાલય.
તમારા નજીકના NHSજાતીય સ્વાસ્થ્ય ચિકિત્સાલયની વિગતો તમે ફોન બુકમાં જેનીટો-યુરીનરી મેડીસીન (GUM), સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડીસીઝીસ (STD) અથવા વેનેરીઅલ ડીસીઝીસ (VD)હેઠળ મેળવી શકશો. અથવા તમારી સ્થાનિક હોસ્પિટલને ફોન કરો અને 'સ્પેશિયલ' અથવા GUMચિકિત્સાલય માટે પૂછો. તમારી નજીકની ક્લિનિક ક્યાં હશે તે બતાવતી વેબસાઇટ અમારા હેલ્પ એન્ડ એડવાઇસ પાના થકી મળી રહેશે.
તમે મફત, ખાનગી સલાહ અને સારવાર પ્રાપ્ત કરશો. દેશમાં ક્યાંય પણ કોઇપણ ક્લિનિકમાં તમે જઇ શકશો - તમારે સ્થાનિકમાં જ જવું પડશે એવું નથી - અને તમારા GP ની ભલામણ લેવી જ જોઇએ એવું પણ નથી. (NHS સંચાલિત જાતીય સ્વાસ્થ્ય ક્લિનિકમાં જે સેવાઓ મળી શકે તે બધી અન્ય ક્લિનિકમાં કદાચ ના પણ મળે.)
- તમારા પોતાના GP.
- UKમાં તમને www.playingsafely.co.uk પર STI ક્લિનિકની વિગતો મળી રહેશે.
- તમે USA માં હો તો, http://herpes-coldsores.com/support/std_clinic_us.htm પર જુઓ, આ સાઇટ પરથી ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, પ્યુએર્ટો રીકો અને ભારતના STD ક્લિનિકની વિગતો પણ શોધી શકશો.
ક્લેમીડીઆ માટેના પરીક્ષણો
- ડૉક્ટર અથવા નર્સ દ્વારા તમારા ગુપ્તાંગ વિસ્તારની તપાસ.
- ચેપ-ગ્રસ્ત હોય તેવા અવયવોમાંથી રૂના પૂમડા વડે યા એવી વાદળી વડે (રસ વગેરેના) નમૂના લેવાય છે.
- સ્ત્રીઓમાં પેડુ વિસ્તારની આંતરિક તપાસ.
- પુરૂષોમાં તેમના વૃષણ(ગોળી)નું સ્વાસ્થ્ય જાણવા એની બાહ્ય તપાસ કરાય
- પેશાબનો નમૂનો લેવાશે.
આમાનું કોઇપણ પરીક્ષણ પીડાયુક્ત નથી, પરંતુ ક્યારેક અસ્વસ્થ કરી દે છે.
ક્લેમીડીઆના સંપર્કમાં આવ્યાના થોડા દિવસોમાં જ પરીક્ષણ કરવાથી તમને તે દેખાશે, ઘણી વાર તો કોઇ લક્ષણો દેખાતા પહેલા.
નિદાન અને સારવાર
તપાસ દરમ્યાન લેવાએલા નમૂનાઓ પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલાય છે, અને સામાન્યરીતે પરિણામ એક સપ્તાહમાં ઉપલબ્ધ હોય છે.
ક્લેમીડીઆનું નિદાન થાય પછી એની સારવાર સાદી અને અસરકારક હોય છે. તમને એન્ટીબાયોટીક ગોળીઓ અપાશે.
તમને કોઇ એન્ટીબાયોટીક્સ માફક ન આવતા હોય (એલરજી હોય), યા સગર્ભા હોવાની કોઇ પણ શક્યતા હોય તો, તમારા ચિકિત્સકને જણાવવું તે અગત્યનું છે. તમને કઇ એન્ટીબાયોટીક્સ આપવી એ આના ઉપરથી નક્કી કરાશે.
ક્લેમીડીઆની સારવારનો આખો કોર્સ પુરો કરવાનું મહત્વપૂર્ણ છે. જો સારવાર અધવચ્ચે અટકી જાય તો ફરી એકડે-એકથી શરૂ કરવી પડશે.
જો તમને ક્લેમીડીઆ હોય તો, સ્વાસ્થ્ય સલાહકાર તમને ચેપ વિષે સમજાવશે અને તમારા સવાલોના જવાબ આપશે. સ્વાસ્થ્ય સલાહકાર તમને તમારા સહસંભોગી(ઓ) વિશે પૂછશે. જેથી તેઓ તપાસ કરાવી શકે અને આવશ્યક હોય તો સારવાર મેળવી શકે.
જ્યાં સુધી તમે ચિકિત્સાલયમાં પરત ન આવો અને ચિકિત્સક દ્વારા બધું બરાબર ન કહેવાય ત્યાં સુધી તમારે ભેદક સંભોગ (જ્યારે યોનિ, મુખ અથવા ગુદામાં શિશ્ન પ્રવેશ કરે) ના કરવો જોઇએ.
પછીના પગલાં
સારવાર પૂર્ણ કરો ત્યાર પછી તપાસ કરાવી તમને સારૂં છે અને અન્ય ચેપ નથી તેની ખાતરી કરાવી લેવી મહત્વપૂર્ણ છે.
જટિલતાઓ
સ્ત્રીઓ
- જો સારવાર ન થાય તો, ક્લેમીડીઆમાંથી પેલ્વિક ઈન્ફેલેમેટરી ડીસીઝ (PID) થઇ શકે છે. આ ફેલોપિયન ટ્યૂબ (અંડકોષવાહિની – જેમાંથી ફલિત ઇંડુ પસાર થઈ ગર્ભાશયમાં જાય છે) ની બળતરા છે. PID ને લીધે પ્રજોત્પતિમાં સમસ્યાઓ આવી શકે છે. ઘણાં કિસ્સાઓમાં વંધ્યત્વનું કારણ ક્લેમીડીઆ હોય છે.
- ગર્ભવતી સ્ત્રીને ક્લેમીડીઆ હોય તો તેને એક્ટોપીક ગર્ભ (ગર્ભાશયની બહાર ગર્ભ) નું યા વહેલી, કવખતની સુવાવડનું જોખમ રહે છે. નવજાત બાળકને પણ ચેપ લાગી શકે છે અને તે આંખ અથવા ફેફસાંને અસર કરી શકે. ક્લેમીડીઆની સારવાર ગર્ભાવસ્થા દરમ્યાન સલામતીપૂર્વક થઇ શકે છે.
- ક્લેમીડીઆ પેડુના અતિ તીવ્ર (લાંબાગાળાના) દર્દ ને નોતરી શકે.
પુરૂષો
પુરૂષોમાં ક્લેમીડીઆને કારણે જટિલતાઓ હોવાનું અસામાન્ય છે. પરંતુ તે વૃષણમાં પીડાદાયક બળતરા લાવી શકે છે જે વંધ્યત્વ નું કારણ બની રહે.
પુરૂષો અને સ્ત્રીઓ
- Reiters સીન્ડ્રોમ એ ક્લેમીડીઆનું એક પરિણામ છે. તેનાથી આંખો અને સાંધામાં બળતરા થાય છે અને ક્યારેક પગના તળીયે અને જનનેન્દ્રિયોમાં ધ્રામઠાં નીકળી આવે છે.
- એપેન્ડીસાઇટીસ (એપેન્ડીક્સમાં સોજો/બળતરા) પણ ક્લેમીડીઆના કારણે હોઇ શકે.
યાદ રહે, સારવાર પછી, સંભોગ દરમ્યાન કોન્ડોમનો ઉપયોગ કરવાથી સંભોગ-જન્ય ચેપ તમને લાગવાનો કે અન્યને પ્રસરવાનો સંભવ ઓછો થઇ જાય છે.
સિફિલિસ (ચાંદી)
સિફિલિસ UKમાં સામાન્ય ચેપ નથી પરંતુ તે કેટલાંક અન્ય દેશોમાં અધિક સામાન્ય છે. તે એક બેક્ટેરીઅલ ચેપ છે. તે સામાન્ય રીતે સંભોગથી ફેલાય છે, પંરતુ ચેપ-ગ્રસ્ત માતા તરફથી તેના ગર્ભસ્થ શિશુને પણ લાગી શકે છે.
ચિહ્નો અને લક્ષણો
સિફિલિસના ચિહ્નો અને લક્ષણો સ્ત્રી-પુરુષ બન્નેમાં સમાન હોય છે. તેને પારખવા મુશ્કેલ હોઇ શકે છે અને ચેપ-ગ્રસ્ત વ્યક્તિ સાથેના લૈંગિક સંપર્ક બાદ એ દેખાતા ત્રણ મહિના સુધીનો સમય લાગી જાય. સિફિલિસના ઘણા તબક્કા હોય છે. પ્રથમ અને દ્વિતીય તબક્કા અતિશય ચેપી હોય છે.
પ્રથમ તબક્કો
જ્યાં સિફિલિસ બેક્ટોરીયા શરીરમાં પ્રેવેશ્યાં હોય ત્યાં એક યા અનેક પીડા-રહિત વ્રણ દેખાશે. આ સરેરાશ 21 દિવસ પછી દેખાશે. તમને કદાચ તેની જાણ પણ ન થાય.
આ વ્રણ શરીર ઉપર ક્યાંય પણ દેખાઈ શકે છે પરંતુ મુખ્યત્વેઃ
- વુલ્વા (યોનિઓષ્ટ) ઉપર, અને મુત્રનળીના દ્વારની આસપાસ (પેશાબ થવાના માર્ગે)
- સ્ત્રીઓમાં ગર્ભાશયમુખમાં અને પુરૂષોમાં શિશ્ન ઉપર અને ઉપરની ત્વચા (ઘુમટી)માં .
- ગુદા અને મોંની આસપાસ (સ્ત્રી-પુરુષ બન્નેમાં)
વ્રણ (એક યા અનેક) અતિશય ચેપી હોય છે અને રૂઝાતા 2 થી 6 સપ્તાહ લાગે.
બીજો તબક્કો
સિફિલિસની સારવાર ન થાય તો ધ્રામઠા દેખાવાના 3થી 6સત્પાહોમાં એ બીજા તબક્કામાં પ્રવેશ કરે છે. એના લક્ષણો નીચે મુજબ હોઇ શકે:
- ખંજવાળ ન આવે એવા ચકમાં આખે શરીરે નીકળી આવે છે
- સ્ત્રીઓને યોનિમુખ ઉપર અને સ્ત્રી-પુરુષ બન્નેને સપાટ, મસા જેવા દેખાતા ઢીમણાં નીકળી આવે છે
- ફ્લુ જેવી માંદગી, થાકોડો અને ખાવામાં અરૂચી, તેમ જ ગ્રંથીઓમાં સોજા (આ હાલત સપ્તાહો કે મહિનાઓ માટે રહે છે)
- જીભ ઉપર અથવા મોંના તાળવે સફેદ ડાઘ
- ઠેરઠેરથી વાળ ખરવા
આ લક્ષણો હોય ત્યારે સિફિલિસ ખૂબજ ચેપી હોય છે અને સંભોગ દ્વારા સાથીને પણ લાગી શકે.
આ પ્રથમ બે તબક્કા દરમ્યાન કોઇ પણ સમયે સિફિલિસને સારવાર વડે મટાડી શકાય છે.
સુષુપ્ત તબક્કો/અવસ્થા
સિફિલિસની સારવાર ન થઇ હોય તો તે સુષુપ્ત અવસ્થામાં ગણાય છે. લક્ષણો અથવા ચિહ્નો ન દેખાય એટલે ચેપ પારખી ન શકાય; લોહીના પરીક્ષણથી એને પારખી શકાય. સારવાર ન થાય તો સિમ્પ્ટોમૅટિક લેટ સિફિલિસ થઇ શકે છે. સામાન્ય રીતે 10 વર્ષ બાદ કે એથી પણ મોડું એ થશે. ત્યાર બાદ સિફિલિસ હૃદયને અસર કરી શકે, અને શક્યતઃ જ્ઞાનતંતુ-રચનાને પણ.
આ સુષુપ્ત અવસ્થા દરમ્યાન જો સિફિલિસની સારવાર આપવામાં આવે તો ચેપ મટી શકે છે. જો કે, સારવાર શરૂ થાય તે પહેલા જ જો હૃદય અથવા જ્ઞાનતંતુ-રચનાને નુકશાન થઇ ચૂક્યું હોય તો તેમાં સુધારો નહીં લાવી શકાય.
સિફિલિસ કઈ રીતે પ્રસાર પામે છે
નીચે જણાવ્યા પ્રમાણે સિફિલિસ પ્રસરી શકે છેઃ
- ચેપ હોય એવી કોઇ વ્યક્તિ સાથે સંભોગ
- માતા દ્વારા તેના ગર્ભસ્થ શિશુને
મદદ માટે ક્યાં જવું
- તમારા સ્થાનિક એનએચએસ (NHS) જાતીય સ્વાસ્થ્ય (GUM) ચિકિત્સાલય.
તમારા નજીકના NHSજાતીય સ્વાસ્થ્ય ચિકિત્સાલયની વિગતો તમે ફોન બુકમાં જેનીટો-યુરીનરી મેડીસીન (GUM), સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડીસીઝીસ (STD) અથવા વેનેરીઅલ ડીસીઝીસ (VD)હેઠળ મેળવી શકશો. અથવા તમારી સ્થાનિક હોસ્પિટલને ફોન કરો અને 'સ્પેશિયલ' અથવા GUMચિકિત્સાલય માટે પૂછો. તમારી નજીકની ક્લિનિક ક્યાં હશે તે બતાવતી વેબસાઇટ અમારા હેલ્પ એન્ડ એડવાઇસ પાના થકી મળી રહેશે.
તમે મફત, ખાનગી સલાહ અને સારવાર પ્રાપ્ત કરશો. દેશમાં ક્યાંય પણ કોઇપણ ક્લિનિકમાં તમે જઇ શકશો - તમારે સ્થાનિકમાં જ જવું પડશે એવું નથી - અને તમારા GP ની ભલામણ લેવી જ જોઇએ એવું પણ નથી. (NHS સંચાલિત જાતીય સ્વાસ્થ્ય ક્લિનિકમાં જે સેવાઓ મળી શકે તે બધી અન્ય ક્લિનિકમાં કદાચ ના પણ મળે.)
- તમારા પોતાના GP.
- UKમાં તમને www.playingsafely.co.uk પર STD ક્લિનિકની વિગતો મળી રહેશે.
- તમે USA માં હો તો, www.unspeakable.com/locator/index.jsp પર જુઓ.
સિફિલિસ માટેના પરીક્ષણો
ચિકિત્સાલયમાં સામાન્ય રીતે નીચેના પરીક્ષણો કરાય છેઃ
- લોહીનો નમૂનો લેવાય.
- જો તમને વ્રણ હોય, તો તેમાંથી ઝરતા પ્રવાહીને લઈ અને માઇક્રોસ્કોપ હેઠળ જોવામાં આવે.
- ડૉક્ટર તમારા જનનેન્દ્રિય વિસ્તાર અને આખા શરીરને તપાસે.
- કોઇ પણ વ્રણ (સોર) ઉપરથી રૂના પૂમડા વડે યા એવી વાદળી વડે (રસ વગેરેના) નમૂના લેવાય.
- સ્ત્રીઓની આંતરિક તપાસ કરવામાં આવે.
- પેશાબનો નમૂનો લેવાય.
આમાંનું કોઇપણ પરીક્ષણ પીડાયુક્ત ન હોવું જોઇએ, પરંતુ કદાચ જરા અસ્વસ્થ કરી દેશે.
જેવું તમને લાગે કે તમે સિફિલિસના સંપર્કમાં આવ્યા હશો કે તરત જ તમે પરીક્ષણ કરાવી શકો છો.
નિદાન અને સારવાર
તપાસ દરમ્યાન લેવાએલા નમૂનાને માઈક્રોસ્કોપ હેઠળ તપાસી ચેપની ખાતરી કરાશે. પરીક્ષણ માટે નમૂનાને પ્રયોગશાળામાં મોકલાય છે. પરિણામ સામાન્ય રીતે એક સપ્તાહમાં જ મળી શકે છે.
તમને કહેવામાં આવે કે તમને સિફિલિસ છે તો, સ્વાસ્થ્ય સલાહકાર તમને ચેપ વિષે સમજાવશે અને તમારા સવાલોના જવાબ આપશે. તમને તમારા સહસંભોગી(ઓ) વિશે પૂછવામાં આવશે જેથી આવશ્યક હોય તો તેઓ પણ સારવાર મેળવી શકે.
તમને સિફિલિસનો શરૂઆતી ચેપ છે એવી શંકા હોય તો, તમારે મુખ, યોનિ અથવા ગુદા મૈથુન ન કરવું જોઇએ. જ્યાં સુધી સારવાર પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી તમારા કોઇ પણ વ્રણ કે ચકામાને તમારા સાથી સાથે સંપર્ક થાય એવી મૈથુન-ક્રીડા કરવી નહીં. સિફિલિસની સારવાર સામાન્ય રીતે પેનેસીલીન ઈન્જેકશનના 2 સપ્તાહના કોર્સ અથવા, કેટલાક કિસ્સાઓમાં, એન્ટીબોયોટીક ગોળી યા કેપ્સ્યુલ્સથી થાય છે.
તમને કોઇ એન્ટીબાયોટીક્સ માફક ન આવતા હોય (એલરજી હોય), યા સગર્ભા હોવાની કોઇ પણ શક્યતા હોય તો, તમારા ચિકિત્સકને જણાવવું તે અગત્યનું છે. સારવારનો આખો કોર્સ પુરો કરવાનું મહત્વપૂર્ણ છે. જો સારવાર અધવચ્ચે અટકી જાય તો ફરી એકડે-એકથી શરૂ કરવી પડશે.
એકવાર તમે તમારી સારવાર પુરી કરી લો પછી રક્ત પરીક્ષણો માટે તમને નિયમિત અંતરાલે ચિકિત્સાલયમાં હાજરી આપવા કહેવાશે.
ગર્ભાવસ્થા અને સિફિલિસ
UK માં બધી જ ગર્ભવતી સ્ત્રીઓને જ્યારે તેઓ એન્ટી-નેટલ ક્લિનિકની મુલાકાત લે છે ત્યારે સિફિલિસ માટેના રક્ત પરીક્ષણો કરાવાય છે. જો સિફિલિસ થયું હોય તો, અજન્મ્યા શિશુને જોખમમાં મૂક્યા વગર ગર્ભાવસ્થા દરમ્યાન સલામતી-પૂર્વક સારવાર આપી શકાય છે. જો સ્ત્રીને સિફિલિસની સારવાર ન આપવામાં આવે તો તેના બાળકને ગર્ભાશયમાં જ ચેપ પ્રસરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં આનાથી કસુવાવડ થઇ જાય છે યા મૃત-જાત શિશુ અવતરે છે.
એકવાર સિફિલિસની સફળતાપૂર્વક સારવાર થઈ જાય તો, તે પાછું થશે નહીં સિવાય કે તમને ફરીથી ચેપ લાગે. જો કે ભવિષ્યના કોઇપણ પરીક્ષણો (દા.ત. ઈમેગ્રેશનના કારણો માટે) માં તમારો રક્ત પરીક્ષણ પોઝીટીવ આવશે. તમારી સારવારને વર્ણવતુ પ્રમાણપત્ર તમારા ચિકિત્સાલયમાંથી અવશ્ય મેળવી લો.
યાદ રહે, સારવાર પછી સંભોગ દરમ્યાન કોન્ડોમ વાપરવાથી સંભોગ-જન્ય ચેપોનું જોખમ ઘટાડી શકાય છે.
AVERT.org પાસે સ્ટેટીસ્ટીક્સ અને અમારી STD પુસ્તિકા સહિત અન્યSTD વિશે અધિક માહિતી છે.
This document was provided by AVERT, last updated July 26, 2005. www.avert.org.uk