Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

વર્ણીય ભેદભાવ – તમારા કાનૂની અધિકાર
Racial Discrimination - Your legal rights

તમારી ચામડીના રંગને કારણે કે તમારી જાતિ-વર્ણને કારણે ભેદભાવ કે કનડગત થાય તો તે હરગિજ ચલાવી લેવાની જરૂર નથી. એને અટકાવવા માટે સબળ કાયદાઓ છે. આ પત્રિકા તમારા કાનૂની અધિકારો સમજાવે છે તેમ જ તમારી સામે ભેદભાવ થયો હોય તો શું કરવું એ પણ બતાવે છે.

  • ભેદભાવ ક્યારે થયો કહેવાય
  • કાયદો શુંકહે છે
  • કાર્ય-સ્થાન પર ભેદભાવ
  • કાર્ય-સ્થાન પર કનડગત
  • ઘર અથવા ફ્લેટ ભાડે લઈ રહ્યાં હો યા ખરીદી રહ્યા હો તેમાં ભેદભાવ
  • નિશાળે અથવા કોલેજમાં ભેદભાવ
  • સામાન અને સેવાઓ ખરીદતી અને ઉપયોગ કરતી વખતે ભેદભાવ
  • જાહેર સત્તાવાળાઓ દ્વારા ભેદભાવ
  • ભેદભાવ અંગે તમે શું કરી શકો
  • એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં જવાનું
  • કોર્ટે ચઢવાનું
  • હ્યુમન રાઇટ્સ એક્ટ (માનવ-અધિકાર ધારો)

આ શ્રેણીમાંની પત્રિકાઓ તમારા કાયદેસરના અધિકારોની રૂપરેખા આપે છે. તે કાયદાની સંપૂર્ણ માર્ગદર્શિકાઓ નથી તેમ જ તમને યા કોઇ પરિસ્થિતિને કાયદો કેવી રીતે લાગુ કરાશે એનું માર્ગદર્શન આપવાનો હેતુ નથી. પત્રિકાઓમાં નિયમિત સુધારા-વધારા થતા રહે છે પરંતુ આ મુદ્રણ થયા બાદ કાયદો બદલી પણ ગયો હોય, તેથી આમાંની માહિતી ખોટી નીવડે યા જૂની થઇ ગઇ હોય.

તમને સમસ્યા હોય તો એને ઉકેલવાનો ઉત્તમ માર્ગ મેળવવા માટે તમને અધિક માહિતી યા વ્યક્તિગત સલાહની જરૂર પડશે. આવી માહિતી અને સલાહના મૂળ માટે ‘વિશેષ સહાય’ જુઓ.

ભેદભાવ ક્યારે થયો કહેવાય

સમાન પરિસ્થિતિમાં કોઇ અન્ય વ્યક્તિની સરખામણીમાં કોઇકના તરફ વધારે ઓરમાયું (કાયદાની પરિભાષામાં ‘પક્ષપાતભર્યું’) વલણ રાખવામાં આવે ત્યારે ભેદભાવ થયો કહેવાય. નીચે બતાવેલ કારણો સર તમારી સાથે ભેદભાવ થયો હોય તો તે અંગે આ પત્રિકા સમજાવે છે:

  • તમારી જાતિ
  • તમારો વર્ણ
  • તમારી નાગરિકતા
  • તમારી રાષ્ટ્રિયતા કે અસલ વર્ણીયતા

આ પત્રિકામાં આ તમામ બાબતો માટે ‘વર્ણ’ કે ‘વર્ણીય’ શબ્દોનો ઉપયોગ કરેલો છે.

ભેદભાવ નીચે બતાવેલ જગામાં/પરિસ્થિતિમાં સંભવી શકે છે:

  • કાર્ય-સ્થાન પર;
  • જ્યારે તમે સામાન અને સેવાઓ ખરીદો અથવા ઉપયોગ કરો;
  • જ્યારે તમે રહેઠાણ ખરીદવાનું અથવા ભાડે લેવાનું કરતાં હો;
  • નિશાળ અથવા કૉલેજ પર; અથવા,
  • સત્તાવાળાઓ સાથે કામ લેવાનું હોય ત્યારે (દાખલા તરીકે, પોલીસ ખાતું).

કાયદો તમને ભેદભાવ સામે સંરક્ષણ આપે છે અને જો તમારી સાથે ગેરકાનૂની વર્તાવ થયો હોય તો કાયદો તમને એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં અથવા કોર્ટે જવાનો અધિકાર આપે છે.

ક્યારેક એવું પણ બને કે એક કરતાં વધારે કારણ સર ભેદભાવના ભોગ બનવાનું થાય. એમ હોય તો ઉત્તમ પગલાં લેવા અંગે તમને સલાહ લેવાની જરૂર પડશે. સલાહ મેળવવાના ઠેકાણાં નીચે મુજબ છે:

  • ટ્રેડ યુનિયન;
  • લૉ સેન્ટર;
  • સિટિઝન્સ એડવાઇસ બ્યૂરો; અથવા
  • વકીલ.

વર્ણીય ભેદભાવ અને વર્ણીય અત્યાચાર (જેમ કે હુમલો થવો) એ બન્ને એક સમાન નથી. વર્ણીય અત્યાચાર તો ફોજદારી ગુનો ગણાય છે અને તમે ભોગ બન્યા હો તો પોલીસને જાણ કરવી ઘટે.

કાયદો શું કહે છે

  • 1976નો રેસ રિલેશન્સ એક્ટ (2000ના રેસ રિલેશન્સ અમેન્ડમેન્ટ એક્ટ થકી આવેલ સુધારા સાથે) તમને વર્ણીય ભેદભાવ અને કનડગત સામે સંરક્ષણ આપે છે અને નકારાત્મક ભેદભાવને કોર્ટ મારફત યા એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ મારફત પડકાર ફેંકવાનો તમને અધિકાર આપે છે. કોઇને કોર્ટમાં કે ટ્રાયબ્યુનલમાં લઇ જવાથી એ તંત્રનાં વર્તનમાં સુધારો થશે જેથી કરીને એ ભવિષ્યમાં બીજા લોકો સાથે ભેદભાવ નહીં કરે.
  • ઉપરાંત, આ કાયદો જાહેર એકમો (જેમ કે પોલીસખાતું) દ્વારા થતા ભેદભાવને પણ ગેર-કાનૂની ગણે છે અને સરકારી મંત્રાલયો તથા અન્ય જાહેર સંસ્થાઓને ફરજ પાડે છે કે વર્ણીય સમાનતાને પોષે એવી નીતિ અપનાવે.
  • કાયદો દરેક વર્ણના લોકોને ભેદભાવ સામે સંરક્ષણ આપે છે – નહીં કે ફક્ત અશ્વેત કે અન્ય લઘુમતી કોમને જ.

ભેદભાવ

  • સમાનતાને લગતા કાયદામાં ત્રણ પ્રકારના ભેદભાવની વાત આવે છે:
  • સીધો ભેદભાવ –જેમાં તમારા વર્ણને કારણે તમારા તરફ ઓરમાયું વલણ રાખવામાં આવે. એટલું જ નહીં, તમારા વર્ણને કારણે તેમ જ અન્ય કોઇના વર્ણને કારણે તમારા તરફ ઓરમાયું વલણ રાખવામાં આવે એને પણ કાયદો આવરી લે છે. ઉદાહરણ તરીકે, કોઇ અન્ય વર્ણની વ્યક્તિ સામે ભેદભાવ કરવાનો આદેશ તમને એમ્પ્લોયર આપે અને એ આદેશ ન માનવાથી તમને બરતરફ કરવામાં આવે, તો તમે એને વર્ણીયભેદભાવ ગણાવી શકો.
  • આડકતરો ભેદભાવ –જ્યારે અમુક નિયમો અને શરતો કોઇ ઉચિત કારણ વગર જ લાગુ કરવામાં આવે અને બીજાં વર્ણોની સરખામણીમાં અમુક વર્ણના લોકોને એ વધારે સ્પર્શે. ઉદાહરણ તરીકે, અમુક હોદ્દા માટે એવો આગ્રહ રખાતો હોય કે ‘માતૃભાષા અંગ્રેજી હોય’તેવાને જ એ કામ આપવું તો એ આડકતરો ભેદભાવ ગણાય, કારણ કે જેની‘માતૃભાષા અંગ્રેજી ન હોય છતાં અંગ્રેજી ભાષા ઉપર સારૂં પ્રભુત્વ ધરાવતા હોય તેવા, અન્ય વર્ણના લોકોને, એ હોદ્દાથી બાકાત રખાય છે
  • ભોગ બનવું રંજાડ – તમે વર્ણીય ભેદભાવ વિશે ફરિયાદ કરી હોય યા એવી ફરિયાદ કરનાર કોઇ સહ-કર્મચારીને સહાય કરી હોય અને એ કારણથી તમારા તરફ ઓરમાયું વલણ રાખવામાં આવે.

કનડગત

તમારા આત્મ સન્માનનું હનન કરે (માનહાનિ થાય) અથવા ધાકધમકીવાળું, વેરભાવવાળું, યા હીણપત ભર્યું વાતાવરણ તમારા માટે ઊભું કરે એવી અનિચ્છનીય વર્તણૂંક કનડગત લેખાય છે.

જેમાં ભેદભાવ યા કનડગત થાય એવી છ મુખ્ય ઘટનાઓને આ પત્રિકા આવરી લે છે:

  • કાર્ય-સ્થાન પર.
  • તમે કામ છોડી દીધું હોય પછી.
  • જ્યારે તમે રહેઠાણ ખરીદવાનું અથવા ભાડે લેવાનું કરતાં હો.
  • નિશાળ અથવા કૉલેજ પર.
  • જ્યારે તમે સામાન અને સેવાઓ ખરીદો અથવા ઉપયોગ કરો.
  • સત્તાવાળાઓ સાથે કામ લેવાનું હોય ત્યારે.

કાર્ય-સ્થાન પર ભેદભાવ

નીચે બતાવેલ બાબતોમાં એમ્પ્લોયર તમારી સામે વર્ણને આધારે ભેદભાવ કરશે તો એ કાયદા વિરુદ્ધ ગણાશે:

  • બઢતી આપવામાં;
  • તાલીમ કે એવા કોઇ બેનિફિટ આપવામાં;
  • શિસ્ત-પાલન કરાવવામાં;
  • બરતરફ કરવામાં; અથવા,
  • રિડન્ડન્ટ કરવામાં.

કામ માટે અરજી

કામની ખાલી જગા ભરતી વખતે એમ્પ્લોયર ભેદભાવ કરે તો તે ગેરકાનૂની ગણાશે. કાયદો નીચે બતાવેલ પાસાંઓને આવરે છે:

  • કોને કામ આપવું તેનો નિર્ણય લેવાય ત્યારે. આમાં એ હોદ્દા કે પદવીનું વર્ણન, ‘વ્યક્તિની ખાસિયત’ (કામ માટે આવશ્યક કુશળતાઓ, અનુભવ અને યોગ્યતાનું વર્ણન), અરજીપત્રક, ઇન્ટર્વ્યૂ માટે ચૂંટવાની પ્રક્રિયા, ઇન્ટર્વ્યૂ અને અંતિમ પસંદગી, એ બધું આવી જાય છે.
  • નોકરીના કરારની કલમો, જેમ કે પગાર, રજાઓ અથવા કામની શરતો.
  • તમારી અરજીને ઇરાદાપૂર્વક ધ્યાનમાં ન લેવી.

રેસ રિલેશન્સ એક્ટ થકી એમ્પ્લોયી (ટેમ્પરરી એમ્પ્લોયી સહિત) તેમ જ કોન્ટ્રાક્ટ ઉપર કામ કરનારાઓને સંરક્ષણ મળે છે. ઉપરાંત, ભરતી કરનાર એજન્સીઓ (રિક્રુટમેન્ટ એજન્સીઓ), યુનિયન તથા ભાગીદારીઓ દ્વારા ભેદભાવને પણ આ કાયદો ગેર-કાનૂની ગણે છે.

કામ ઉપર કનડગત

તમારા એમ્પ્લોયર કે કોઇ સહ-કર્મચારી તમને રંજાડે તો તે ગેર-કાનૂની છે. તમને રંજાડનાર વ્યક્તિને તમે અટકવાનું કહો છતાં પણ તે ના અટકે તો તમારે એમ્પ્લોયરને ફરિયાદ કરવી જોઇએ.

ઘણા એમ્પ્લોયરો એમના કર્મચારીઓની વર્ણદ્વેશી કનડગતને શિસ્તભંગ ગણે છે અને તમને રંજાડનાર વ્યક્તિ ઉપર એણે શિસ્તભંગને લગતાં પગલાં લેવા જોઇએ. તમારા એમ્પ્લોયર કાંઇ જ ના કરે યા કનડગત અટકાવવાને જરૂરી પગલાં ન લે તો તેની સામે તમે એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં દાવો માંડી શકો છો.

ઘણા કિસ્સામાં તમે નીચે બતાવેલ પગલાં પણ લઇ શકશો:

  • તમને રંજાડનાર વ્યક્તિ સામે યા તમારા એમ્પ્લોયર સામે તમે 1977ના પ્રોટેક્શન ફ્રોમ હેરેસમેન્ટ એક્ટ હેઠળ કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરી શકો છો; અથવા,
  • બેદરકારી યા કરારભંગ બદલ તમારા એમ્પ્લોયર સામે તમે દાવો માંડી શકો છો.

તમારી ઉપર હુમલો કે આક્રમણ થાય તો પોલીસમાં નોંધાવી લેવું જોઇએ. કનડગત કે આક્રમણ પાછળ જો વર્ણીય કારણ હોય તો એ હુમલાખોરને 1998ના ક્રાઇમ એન્ડ ડિસોર્ડર ઍક્ટ હેઠળ વધારે આકરી સજા થઇ શકે છે.

તમે નોકરી છોડી દીધી હોય ત્યાર બાદનો ભેદભાવ અથવા કનડગત

તમે કામ (નોકરી) છોડો પછી એમ્પ્લોયર તમારી સામે વર્ણીય ભેદભાવ કે કનડગત ન કરી શકે. ઉદાહરણ તરીકે, અન્ય કોમ કે વર્ણના લોકોને રેફરન્સ (ભલામણ-ચિઠ્ઠી) આપવા તૈયાર હોય પણ તમને રેફરન્સ (ભલામણ-ચિઠ્ઠી) આપવાનો ઇનકાર કરે.

એમ્પ્લોયરની જવાબદારી

રેસ રિલેશન્સ એક્ટનું કહેવું એમ છે કે એમ્પ્લોયરના કર્મચારીઓ યા એજન્ટો વર્ણીય ભેદભાવ કે કનડગત આચરે તો એ માટે એમ્પ્લોયર જ જવાબદાર ગણાય છે, સિવાય કે આવું થતું અટકાવવા માટે એણે વાજબી પગલાં લીધા હોય.

તમારી સામે ભેદભાવ કે કનડગત થાય તો તમે તમારો દાવો એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં લઇ જઇ શકો છો. (વધારે માહિતી માટે ‘વર્ણીય ભેદભાવ – એ ભેદભાવ અંગે તમે શું કરી શકો છો?’નામની પત્રિકામાં જુઓ‘એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં જવાનું’મથાળા હેઠળ.)

એમ્પ્લોયર ક્યારે ભેદભાવ કરી શકે

કેટલાક જૂજ સંજોગોમાં એમ્પ્લોયર ભેદભાવ કરી શકે છે:

  • કોઇ કામ જ એવું હોય કે જે અમુક ખાસ જાતિના, વર્ણના, નાગરિકતાવાળા, કે રાષ્ટ્રીયતા ધરાવનાર માણસ જ કરી શકે.
  • અમુક નાગરિકતા કે રાષ્ટ્રીયતા ધરાવનારને કોઇ કામમાંથી બાકાત રાખતા નિયમો લાગુ પડતા હોય. જો કે આ મુદ્દો શાહી પરિવારને લગતી નોકરી યા કોઇ જાહેર સંસ્થામાંની નોકરીમાં જ લાગુ પડે છે.
  • મામલો એવો હોય જે રેસ રિલેશન્સ એક્ટ હેઠળ ન આવતો હોય.

ઘર અથવા ફ્લેટ ભાડે લઈ રહ્યા હો યા ખરીદી રહ્યા હો તેમાં ભેદભાવ

કોઇ એસ્ટેટ એજન્ટ કે મકાનમાલિક ઘર વેચતા હોય યા ભાડે આપી રહ્યા હોય ત્યારે તમારી સામે ભેદભાવ કે કનડગત કરે તો એ કાયદાવિરુદ્ધ ગણાશે. મતલબ કે એસ્ટેટ એજન્ટ તમારી ચામડીના રંગને કારણે તમને મકાન બતાવવાનું ના નકારી શકે અને એ જ પ્રમાણે મકાનમાલિક કોઇ અશ્વેત પરિવારને એની ચામડીના રંગને કારણે ઘર ભાડે આપવાની ના ન પાડી શકે. ઉપરાંત, મકાનમાલિક એના ભાડૂતો પ્રત્યે વર્ણભેદ કરે તો એ પણ કાયદાવિરુદ્ધ ગણાશે. આ કાયદો ધંધાદારી મકાનોને પણ લાગુ પડે છે.

તમે કાઉન્સિલના કે હાઉસીંગ એસોસિએશનના ભાડૂત હો અને અન્ય ભાડૂતો તમારા તરફ વર્ણીય કનડગત આચરતા હોય તો તમારે કાઉન્સિલના કે હાઉસીંગ એસોસિએશનને કહી દેવું જોઇએ. ભાડૂતોને આવી કનડગતની સામે સંરક્ષણ આપવા માટે ઘણી સંસ્થાઓ પાસે પોલિસીની જોગવાઇ હોય છે. કનડગત અટકાવવા માટે એ કદાચ કોર્ટમાંથી આવા લોકો સામે ‘ઇન્જન્ક્શન’(મનાઇહૂકમ) મેળવશે યા એમને હાંકી કાઢશે.

નિશાળે અથવા કોલેજમાં ભેદભાવ

નીચે બતાવેલ કોઇ બાબતમાં શાળાએ કે કોલેજે તમારા બાળક સામે ભેદભાવ કરવો કે કનડગત કરવી એ કાયદાવિરુદ્ધ ગણાશે:

  • તમારા બાળકને પ્રવેશ આપવામાં લાગુ કરાતી શરતો;
  • તમારા બાળકને કાઢી મૂકવાનું વિચારતા હોય ત્યારે; અથવા,
  • કેવી રીતે એને ભણાવાય છે.

કર્મચારીઓ વર્ણીય ભેદભાવ કે દુર્વ્યવહાર આચરે તો શાળા-કોલેજે એનું નિવારણ કરવું જોઇએ.

ઉપરાંત, સ્થાનિક કેળવણી સત્તાધીશો –લોકલ એજ્યુકેશન ઑથોરીટી – કોઇ બાળકની વિશિષ્ટ જરૂરિયાતોની આંકણી કરવામાં ભેદભાવ કરે તો એ પણ કાયદાવિરુદ્ધ ગણાશે.

તમને એમ લાગતું હોય કે તમારા બાળક સામે વર્ણીય ભેદભાવ થઇ રહ્યો છે તો એના શિક્ષક કે વડા શિક્ષક જોડે ચર્ચા કરો. આ બાબત ઉકેલવા માટેની માહિતી કેન્દ્રના કેળવણી ખાતા (ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન એન્ડ સ્કિલ્સ) પાસેથી મળશે (સંપર્કની વિગતો માટે ‘વિશેષ સહાય’ હેઠળ જુઓ).

જો એમાં કાંઇ ના વળે તો શાળાના ગવર્નરોને યા લોકલ એજ્યુકેશન ઑથોરીટીને ફરિયાદ કરો. શું કરવું એ બાબતમાં સલાહની જરૂર પડે તો નીચે બતાવેલ જગાએથી મળી શકશે:

  • ધ કમીશન ફોર રેસીયલ ઇક્વાલીટી(વર્ણીય સમાનતા પંચ);
  • સ્થાનિક રેસીયલ ઇક્વાલીટી કાઉન્સિલ; અથવા,
  • ધી એડવાઇઝરી સેન્ટર ફોર એજ્યુકેશનની હેલ્પલાઇન

તમે વિદ્યાર્થી હો તો યાદ રાખવું કે તમારી કોલેજ/યુનિવર્સિટીમાં વર્ણીય સમાનતાને લગતી નીતિઓ હોવી જોઇએ કે જે વિદ્યાર્થીઓને તેમ જ કર્મચારીઓને પડતી હોય.

સામાન અને સેવાઓ ખરીદતી અને ઉપયોગ કરતી વખતે ભેદભાવ

ધંધાદારી પેઢીઓ અને સેવાઓ પૂરી પાડનારાઓ નીચે બતાવ્યા મુજબ તમારી સામે વર્ણીય ભેદભાવ કે કનડગત કરે તો તે કાયદાવિરુદ્ધ ગણાશે:

  • તમને કોઇ સામાન, સગવડો યા સેવાઓ આપવામાં ઇનકાર થાય યા ઇરાદાપૂર્વક એને ટાળવામાં આવે; અથવા,
  • અન્યોને જે ગુણવત્તાયુક્ત, જે શરતો ઉપર અને જે રીતે સામાન, સગવડો યા સેવાઓ અપાય એ પ્રમાણે તમને ના અપાય.

આ સિધ્ધાંત નિ:શુલ્ક વસ્તુઓ તેમ જ જેની કિંમત ચૂકવી હોય તેવી વસ્તુઓને આવરી લે છે, અને ઘણા ધંધાઓમાં અને સેવાઓમાં લાગુ પડે છે, જેમ કે:

  • દૂકાનો;
  • જાહેર સ્થાનો, જેમકે હોટલ, રેસ્ટોરેન્ટ, બાર, નાઇટ ક્લબ અને લેઝર સેન્ટર;
  • બેન્કમાં ખાતા, લોન, ક્રેડિટ કાર્ડ અને વીમો;
  • મુસાફરી અને પરિવહન સેવાઓ જે જાહેર હોય અથવા ખાનગી કંપની અથવા ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાતી હોય;અને
  • સ્થાનિક પ્રાધિકરણો દ્વારા પૂરી પડાતી સેવાઓ (જેમ કે નવરાશના સમય માટેની પ્રવૃત્તિઓ).

કોઇ ધંધાદાર કે સેવા પૂરી પાડનાર ક્યારે ભેદભાવ આચરી શકે

નીચે બતાવેલ કોઇ બાબત લાગુ પડતી હોય તો અમુક સજોગોમાં ધંધાદાર કે સેવા પૂરી પાડનાર ભેદભાવ આચરી શકે છે:

  • કોઇ એવી ચૅરિટી સંસ્થા હોય જેનો મુખ્ય આશય અમુક કોમના લોકોને જ સેવા પૂરી પાડવાનો હોય (આમ છતાં ચામડીના રંગને આધારે તો ભેદભાવ ના જ કરી શકાય);
  • મામલો એવો હોય જે રેસ રિલેશન્સ એક્ટ હેઠળ ન આવતો હોય;
  • રેસ રિલેશન્સ એક્ટ હેઠળ એને અપવાદ તરીકે માન્યતા અપાઇ હોય. ઉદાહરણ તરીકે, પચીસથી વધારે સભ્યો વાળી કોઇ એવી ક્લબ હોય જેનો મુખ્ય આશય અમુક કોમના લોકોને જ સેવા પૂરી પાડવાનો હોય (આમ છતાં ચામડીના રંગને આધારે તો ભેદભાવ ના જ કરી શકાય).

જાહેર સત્તાવાળાઓ દ્વારા ભેદભાવ

જાહેરસંસ્થાઓની કાર્યવાહીમાં વર્ણીય ભેદભાવને ગેર-કાનૂની ગણાય છે. આવી સંસ્થાઓ તથા તેમની પ્રવૃત્તિઓના ઉદાહરણો આ પ્રમાણે છે:

  • પોલીસ ખાતું (રસ્તા વચ્ચે લોકોને રોકીને જાંચ-તપાસ કરવી);
  • લોકલ ઑથોરીટી (પર્યાવરણીય, આરોગ્ય હેતુક તપાસણી);
  • જેલ સેવા (જેલની અંદર શિસ્ત-પાલન);
  • આયકર ખાતું (કરવેરા બારામાં તપાસણી; અન્ય જાંચ-તપાસ).

ઉપરાંત, આ પ્રવૃત્તિઓ દરમ્યાન નીચે બતાવેલ બાબતોને ધ્યાનમાં રાખવાની આવી જાહેરસંસ્થાઓની ફરજ બની રહે છે:

  • વર્ણીય ભેદભાવને જાકારો આપવો; અને,
  • સમાન તકો અને સારા વર્ણીય સંબંધોને વિકસાવવા તથા પોષવા.

કોઇ જાહેરસંસ્થા આ ફરજનું પાલન ના કરતી હોય તો તમે એની સામે કાનૂનીકાર્યવાહી કરી શકો છો. કોઇ કોઇ જાહેર સંસ્થાઓ પાસે તો વર્ણીય સમાનતા માટેની રેસ ઇક્વાલીટીસ્કીમ નામની યોજના (જેને તાલીમી સ્થળોમાં રેસ ઇક્વાલીટીપોલિસી કહે છે) પણ હોવી જ જોઇએ, જેના થકી એ સ્પષ્ટ થઇ શકે કે એમની નીતિઓ આ માપદંડને કેટલે સુધી અનુસરે છે અને પૂરી રીતે અનુસરવા માટે એ શું શું કરશે. એની પાસે આવી રેસ ઇક્વાલીટીસ્કીમ કે રેસ ઇક્વાલીટીપોલિસી ના હોય તો કમીશનફોરરેસીયલઇક્વાલીટી (વર્ણીય સમાનતા પંચ) એની સામે પગલાં લઇ શકે છે.

વિશેષ સહાય

Community Legal Service Direct

કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટ

સામાન્ય કાનૂની મુદ્દાઓ ઉપર મફત માહિતી, સહાય અને સલાહ જનતાને સીધી પૂરી પાડે છે.

ફોનઃ0845 345 4 345

તમને લીગલ એઇડ માટે યોગ્ય ગણવામાં આવે તો બેનિફિટ અને ટેક્સ ક્રેડિટ્સ, કરજ, શિક્ષણ, રોજગાર અથવા આવાસ અંગે ખાસ કાનૂની સલાહકાર પાસેથી મફત સલાહ મેળવો. ઉપરાંત, સારી ગુણવત્તા વાળો સ્થાનિક કાનૂની સલાહકાર અથવા વકીલ શોધી કાઢો.

www.clsdirect.org.ukઉપર ક્લિક કરીને

સારી ગુણવત્તા વાળો સ્થાનિક કાનૂની સલાહકાર અથવા વકીલ શોધો અને ઓનલાઇન માહિતી આપે એવા અન્ય સંસાધનો માટે જોડાણ કરો, તેમ જ, અમારા કેલ્ક્યુલેટર વડે તપાસ કરી લો કે તમને લીગલ એઇડ માટે યોગ્ય ગણવામાં આવે છે કે કેમ.

Commission for Racial Equality (CRE)

કમીશન ફોર રેસીયલ ઇક્વાલીટી (C R E)

ફોન: 020 7939 0000

www.cre.gov.uk

તમારી નજીકની રેસીયલ ઇક્વાલીટી કાઉન્સિલ માટે કમીશન ફોર રેસીયલ ઇક્વાલીટીનો સંપર્ક કરો અથવા ફોન બુકમાં જુઓ.

The Advisory, Conciliation and Arbitration Service (ACAS)

ધી એડવાઇઝરી, કોન્સિલિએશન એન્ડ આર્બિટ્રેશન સર્વિસ (ACAS)

તમારા નિકટના જાહેર પૂછપરછ કેન્દ્રને શોધી કાઢવા માટે

ફોનઃ08457 47 47 47

www.acas.org.uk

Advisory Centre for Education (ACE)

એડવાઇઝરી સેન્ટર ફોર એજ્યુકેશન (ACE)

શાળામાં વર્ણીય ભેદભાવ બારામાં સલાહ માટે

ફોનઃ0808 800 5793

www.ace-ed.org.uk

Department for Education and Skills (DfES)

ડીપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન એન્ડ સ્કિલ્સ (DfES)

‘Social Inclusion: Pupil Support Circular 10/99’ નામની પત્રિકા માટે

0845 6022260 ઉપર ફોન કરો, અથવા,

www.dfes.gov.uk ઉપરથી ડાઉનલોડ કરો.

આ પત્રિકા લીગલ સર્વિસીસ કમિશન (LSC)નું પ્રકાશન છે. ધ કમીશન ફોર રેસીયલ ઇક્વાલીટીના સહયોગમાં એ લખાએલ હતી.

This document was provided by Community Legal Service Direct, December 2005, www.clsdirect.org.uk