ચાલબાજી – છેતરાશો નહીં ! દગલખોરી અને છેતરપીંડીથી સાવચેત રહો
Tricks - don't get caught out! Beware of Fraud & Deception
Tricks – don’t get caught out! Beware of Fraud & Deception
ફોનથી કે પત્ર દ્વારા તમને અણધાર્યા સમાચાર મળે કે અમુક લોટરીમાં તમારૂં નામ આપવામાં આવ્યું છે તો તમે શું કરો? આવા ફોન કે પત્રનો તમે ઉત્તર આપો તો શક્ય છે કે હજારો પાઉન્ડ ગુમાવવાની ઘડી આવી પહોંચે. આવી ચાલબાજીઓ અને કપટજાળો વિષે આ પત્રિકા ચેતવણીનો સૂર કાઢે છે. આ ચાલબાજીઓ તમારી પાસેથી પૈસા તફડાવવાની યુક્તિઓ જ છે.
ચાલબાજીઓ અનેક જાતની હોય છે, જેમ કે ચમત્કારિક દવાઓ/જડીબુટ્ટીઓ યા પોકળ લોટરીઓ – એના વિષે જેમ વધુ જાણકારી હોય તેમ તેનાથી બચવાની શક્યતા વધારે.
ચાલબાજી –પિરામીડ યોજનાઓ
આ યોજનામાં તમે જેમ જેમ વધારે લોકોને સામેલ કરો તેમ તેમ તમને વધારે કમાણી થાય એવું પ્રલોભન આપવામાં આવે છે.
તમે કેટલું બધું કમાઇ જશો એ વિષે મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ એ વાતો ગેરમાર્ગે દોરનારી હોય છે. આ યોજનામાં તમે બીજાં માણસોને સામેલ કરો ત્યારે જ તમને કમાણી થાય એટલે એનો મતલબ કે જે નવા જોડાય અને આ પિરામીડની નીચલી હરોળમાં હોય તેને પોતે રોકેલ પૈસાનું વળતર મળવું અસંભવ છે.
પિરામીડ યોજના અમર્યાદ ચાલુ રાખવા માટે જરૂરી એટલા માણસો મળી જ ના શકે. પરિણામે, આવી યોજના શરૂ કરનાર (અને પિરામીડની ટોચ ઉપર બિરાજનાર) વ્યક્તિ જ આમાં કમાણી કરી શકે છે.
પિરામીડ યોજનામાં કોઇ નવી કમાણી નથી હોતી. યોજનાની શરૂઆતમાં જે લોકો પૈસા રોકે એ લોકો ત્યાર પછી જોડાનાર અને પૈસા રોકનાર પાસેથી પોતાનો નફો મેળવે છે. એવો સમય આવે કે કોઇ નવા રોકાણકાર ના જોડાતા હોય, તો એ સમયે જે છેલ્લા જોડાનાર હોય – અને પિરામીડની નીચલી હરોળમાં હોય – તે પોતાની થાપણ ગુમાવશે. ઉપરાંત, પિરામીડ યોજનાઓ ગેર-કાનૂની હોય છે એટલે તેમની ધરપકડ પણ થઇ શકે છે.
પિરામીડ યોજનાઓનો ફેલાવો ટપાલ મારફત યા ઇમેઇલ મારફત થઇ શકે છે.
ચાલબાજી –ઉચ્ચ દરના ટેલિફોન નંબર તથા ઇન્ટરનેટ ટેલિફોન નંબર
ધુતારાઓ પોતાની કપટજાળ પાથરવા માટે 090 નંબરનો સહારો લે છે.
આમાં પોકળ લોટરી તેમ જ હોલીડે પણ આવી જાય છે. ધુતારા તમને પત્ર લખીને જણાવશે કે તમને કાંઇક ઇનામ લાગ્યું છે અને એ ઇનામ મેળવવા માટે તમારે અમુક નંબર ઉપર ટેલિફોન કરવાનો હોય છે.
કદાચ તમને મફત ભેટ યા એકદમ આકર્ષક હોલીડેનો વાયદો કરવામાં આવશે, પણ હકીકતમાં તમને જે મળશે તે સાવ નિરાશાજનક હશે.
તમને અમુક લોટરી લાગી છે અને એ ઇનામ મેળવવા માટે ટેલિફોન કરવાનું તમને કહેવામાં આવે, તો તમને કાંઇ નહીં મળે, સિવાય કે મોટુંમસ ટેલિફોન બીલ – ક્યારેક તો એક કોલના £૧૫ લાગી જશે.
તમે ફોન કરશો તો તમારે એની રેકોર્ડ કરેલી લાંબી ગાથા સાંભળવી પડશે અને એ ગાથામાં કાંઇક વેચવાની જ વાત હશે. યાદ રાખો, જેમ કોલ લાંબો ચાલશે તેમ તેનો ચાર્જ વધતો જશે. તમને લાગેલ ઇનામ મેળવવા માટે યા એના વિષે વધારે માહિતિ મેળવવા માટે તમને કદાચ કોઇ બીજા નંબર ઉપર ફોન કરવાનું કહેવામાં આવે એ નંબર પણ આવો ઊંચા દરનો હશે.
તમે કદાચ ઇન્ટરનેટ ઉપર ચાલી રહેલ છેતરપીંડીના શિકાર પણ બનશો. ઇન્ટરનેટ ઉપર આપેલ એવા કોઇ નંબર ઉપર તમે ફોન કરો અને એ નંબરના ચાર્જ અતિશય ઊંચા હોય ત્યારે આમ બને છે. તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો તો તમારૂં ટેલિફોન બીલ તપાસતા રહેવું અને જોઇ લેવું કે કોઇ અણધાર્યા અને મોંઘાદાટ એવા નંબર ઉપર ફોન થયા છે કે કેમ.
ઊંચા દરના ટેલિફોન નંબરની આવી કપટજાળથી બચવા માટે સૂચનો
- યાદ રાખો કે આવા નંબરના ચાર્જ દર મિનિટે ચઢતા રહે છે અને સામાન્ય લોકલ કે ટ્રંક કોલ કરતાં એ ઘણાં મોંઘા હોય છે
- કેટલો ચાર્જ થશે એની તમને ખાતરી હોય અને ભરવાની તમારી તૈયારી હોય તો જ આવા કોલ કરવા, અન્યથા નહીં
- તમે કોઇ 090 નંબર જોડો અને એ કોલમાં તમને બીજો કોઇ 090 નંબર જોડવાનું કહેવામાં આવે તો સાવચેત રહેવું
ચાલબાજી –કોઇ વૃધ્ધ/ઘરડેરૂં સગું શિકાર બની રહ્યું હોય તેના સૂચક એંધાણ
ઘરડાંઓ સહેલાઇથી શિકાર બની શકે છે એવી ધારણા હોવાથી ઘણી યુક્તિઓ/કપટજાળો એમને જ સપડાવે એવી હોય છે.
કોઇ વૃધ્ધ/ઘરડેરૂં સગું કે મિત્ર કપટજાળના શિકાર બની રહ્યું હોય તેના સૂચક એંધાણ નીચે મુજબ હોઇ શકે છેઃ
- હરીફાઇઓ/સ્પર્ધાઓ, મેલ ઓર્ડર કેટેલોગ, લોટરી કે ભવિષ્યવેત્તાને લગતી નકામી/રદ્દી ટપાલ અતિશય વધી જાય
- વધારે ફોન આવતા હોય યા ફોનનું બીલ એકદમ વધી જાય
- ભેદી/રહસ્યમય ફોન કોલ
- રોજ-બરોજના બીલ ના ભરી શકાય યા કોઇ અપ્રગટ કારણ પેટે પૈસા ઊછીના લેવાનું થાય
ચાલબાજી –ટપાલ દ્વારા ફેલાતી કપટજાળ
કોઇ લોટરી જીત્યા છે યા કોઇ આકર્ષક ઇનામ લાગ્યું છે એમ સૂચવતા પત્રો યુ.કે.ભરમાં લોકોને રોજ મળતા હોય છે.
કપટજાળ કે પ્રપંચ છે કેવી રીતે જાણશો?
તમને લાગેલ ઇનામ મેળવવા માટે પૈસા મોકલવાનું સૂચવ્યું હોય તો સંભવ છે કે એ કપટ જ હશે. માગવામાં આવેલ રકમ ક્યારેક ‘વહીવટ’ પેટે, ‘વ્યવસ્થા ખર્ચ’ પેટે યા ‘સંચાલન ખર્ચ’ પેટે ખટાવવામાં આવશે, યા તમારે કાંઇક ખરીદવું પડશે, યા ઊંચા દરના નંબર ઉપર ફોન કરીને તમારા ઇનામની માગણી કરવી પડશે.
ગમે તેમ હોય, તમે એક વાર પૈસા ચૂકવશો પછી તમને ઇનામ તો મળતું મળશે, તમારા પૈસા પણ પાછા નહીં મળે. માટે તમને જરા પણ શંકા જાય તો નીચે બતાવેલ સવાલો ઉપર વિચાર કરોઃ
- મારી પાસે શાના પૈસા માગે છે?
- એ પૈસા જાય તો મને પોસાય એમ છે?
- માનવામાં ન આવે એવું છે?
નીચે બતાવેલ અન્ય એંધાણ પણ ખ્યાલમાં રાખી સાબદા રહેવું
- ક્લેઇમ કરવા માટે ફી રૂપે પૈસા મોકલવાની માગણી હોય.
- આખું આયોજન પરદેશથી થઇ રહ્યું હોય.
- કોઇ પોસ્ટ બોક્સ નંબર ઉપર યા વિદેશમાં પૈસા મોકલવાની માગણી હોય.
- ઇનામ વિદેશી ચલણમાં વર્ણવેલ હોય.
- તમારા ક્રેડિટ કાર્ડ વિષે કે બેન્ક વિષે વિગતો માગવામાં આવે.
- તમારૂં ઇનામ મેળવવા માટે તમારે એ યોજનામાં બીજાંને સામેલ કરવા પડે એમ હોય.
- પત્ર દ્વારા, ફોન દ્વારા, મોબાઇલ-ટેક્ષ્ટ દ્વારા, કે ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરવામાં આવ્યો હોય પણ તમે એની માગણી ના કરી હોય.
- ઇનામ મેળવવા માટે તમારે તાત્કાલિક પ્રત્યુત્તર વાળવો પડે એમ હોય.
- ઇનામ મેળવવા માટે તમારે કોઇ ચીજ-વસ્તુ ખરીદવી પડે એમ હોય.
- ઊંચા દરના નંબર ઉપર ફોન કરવો પડે એમ હોય.
કપટ/પ્રપંચ છે કે કેમ એ વિષે શંકા-કુશંકા હોય તો એ ટપાલને કચરાપેટીમાં જ પધરાવી દો!
This document was provided by Islington Law Centre. www.islingtonlaw.org.uk
Document Links
- www.islingtonlaw.org.uk
-
The Islington law Centre web site
http://www.islingtonlaw.org.uk